બાળકોની નાગરિકતા અરજીની ગેરવાજબી ફી રદ કરવા માગ

Wednesday 10th April 2019 03:13 EDT
 
 

લંડનઃ હોમ ઓફિસ દ્વારા લેવાતી બાળકોની નાગરિકતા ફીમાંથી મહિને બે મિલિયન પાઉન્ડનો નફો થતો હોવાનું બહાર આવતા ખળભળાટ મચ્યો છે. ઈમિગ્રેશન વોચડોગ દ્વારા માગણી કરાઈ છે કે હોમ ઓફિસે નિષ્ફળ અરજદારોને ફી રિફન્ડ કરવી જોઈએ તેમજ પોસાતું ન હોય તેવા પેરન્ટ્સ પાસેથી ફી ન લેવાવી જોઈએ. નબળા વર્ગો દ્વારા ઈમિગ્રેશન ફી જતી કરવાની અરજીમાંથી ૭૦ ટકાથી વધુ અરજી નકારી કઢાય છે.

ઈન્ડિપેન્ડન્ટ ચીફ ઈન્સ્પેક્ટર ફોર બોર્ડર્સ એન્ડ ઈમિગ્રેશન ડેવિડ બોલ્ટના રિપોર્ટમાં જણાવાયું છે કે સરકારે હોમ ઓફિસની ફી પોલિસીની નકારાત્મક સામાજિક અને સમાનતા અસરો વિશે માહિતી જાહેર કરવી જોઈએ. ગત વર્ષે ૪૦,૦૦૦ જેટલા લોકોને આની અસર થઈ હતી. ઊંચી ઈમિગ્રેશન ફીના કારણે હજારો પેરન્ટ્સે ખર્ચ બચાવવા વધુ કામ કરવા ઉપરાંત, દેવાં તેમજ એક સમયનું ભોજન છોડવું પડે છે. બોલ્ટે હોમ ઓફિસ દ્વારા ફીની ગણતરી સમજાવવા જણાવ્યું છે. જોકે, હોમ ઓફિસે બોલ્ટની બે ભલામણો નકારી કાઢી છે.

સિટિઝન્સ યુકે દ્વારા માહિતી અધિકાર થકી મેળવાયેલી માહિતી અનુસાર હોમ ઓફિસે ડોક્યુમેન્ટ્સના પ્રોસેસિંગ માટે કડક નાગરિકતા યોગ્યતા માપદંડ જાળવવા બાળકો પાસેથી ચાર્જ કરાતી ફીમાં ૧૦ મહિનામાં ૨૨ મિલિયન પાઉન્ડ મેળવ્યા છે. બાળકો માટે નાગરિકતા અરજીની કિંમત ૧,૦૧૨ પાઉન્ડ છે, જ્યારે પ્રોસેસિંગ ખર્ચ માત્ર ૩૭૨ પાઉન્ડ છે. આમ હોમ ઓફિસ તેને મળતી દરેક બાળ નાગરિકતા અરજી પર અંદાજે ૬૪૦ પાઉન્ડનો નફો મેળવે છે. ગરીબ બાળકો માટે ફી માફી લાગુ કરવાની પ્રક્રિયાની સમીક્ષા કરવાની બોલ્ટની ભલામણ હોમ ઓફિસે અંશતઃ સ્વીકારી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter