લંડનઃ રોયલ મિન્ટ દ્વારા નવેસરથી ચલણી સિક્કાને ડિઝાઇન કરાયાં છે. મોટી સંખ્યામાં જારી થનારા આ સિક્કા બાળકોને સિક્કા ગણવામાં મદદ મળે તે રીતે ડિઝાઇન કરાયાં છે. કિંગ ચાર્લ્સ તૃતીયની તાજપોશીને એક વર્ષ પુરું થવા નિમિત્તે રોયલ મિન્ટ દ્વારા જારી કરાનારા આ સિક્કાની ટેઇલ સાઇડ પર બ્રિટનની વનસ્પતિને સ્થાન અપાયું છે જેથી બાળકો કુદરત અંગેની જાણકારી પણ પ્રાપ્ત કરી શકે.
રોયલ મિન્ટના ડિરેક્ટર રેબેકા મોર્ગને જણાવ્યું હતું કે, સિક્કા પર આંકડાને મોટા કરવામાં આવ્યાં છે જેથી ગણતરી શીખતા બાળકોને મદદ મળે અને તેઓ નાણાનો ઉપયોગ પણ શીખી શકે. તે ઉપરાંત સિક્કા પર વનસ્પતિ અને પ્રાણીઓની તસવીર સામેલ કરાઇ છે જે બાળકોને આકર્ષશે. સિક્કાની એક સાઇડ પર કિંગ ચાર્લ્સનું પોટ્રેટ રહેશે.
મોર્ગને જણાવ્યું હતું કે, હજુ આજે પણ દેશની મોટી વસતી રોકડ વ્યવહારો પર આધાર રાખે છે. તે ઉપરાંત કિંગની તાજપોશીને એક વર્ષ થવાનું છે. રોયલ મિન્ટ આ વખતે પણ પરંપરા અનુસાર નવા સિક્કા જારી કરી રહ્યું છે.

