લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં કેથોલિક ચર્ચે અપરિણીત માતાઓનાં હજારો બાળકોને બળજબરીથી દત્તક આપવાના મુદ્દે પોતાની ભૂમિકા વિશે સૌપ્રથમ વખત માફી માગી છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં કેથોલિક ચર્ચના વડા અને વેસ્ટમિનસ્ટરના આર્ચબિશપ કાર્ડિનલ વિન્સેન્ટ નિકોલસે ITV ની ‘બ્રિટન્સ એડોપ્શન સ્કેન્ડલઃ બ્રેકિંગ ધ સાયલન્સ’ ડોક્યુમેન્ટરીના ભાગરુપે આ માફી જારી કરી હતી.
આર્ચબિશપ નિકોલસે નિવેદનમાં જણાવ્યું હતું કે,‘એડોપ્શન મારફત બાળકને આપી દેવાની ઘટનાઓમાં જે દુઃખ અને પીડા સહન કરવામાં આવ્યા છે તે ચર્ચ સમજે છે અને સ્વીકારે છે. આવી તમામ એડોપ્શન એજન્સીઓની કાર્યવાહી તત્કાલીન સામાજિક મૂલ્યોનું પ્રતિબિંબ પાડનારી હતી અને ઘણી વખત તેમાં કાળજી અમે સંવેદનાઓનો અભાવ જણાયો હતો. અમે કેથોલિક ચર્ચના નામે કામ કરતી એજન્સીઓ દ્વારા જે દુઃખ પહોંચાડાયું હોય તેના બદલ માફી માગીએ છીએ.’
ઉલ્લેખનીય છે કે ૧૯૫૦ અને ૧૯૮૦ના દાયકાઓમાં અપરિણીત માતાઓ હોવાના કારણે પાંચ લાખથી વધુ મહિલાએ પોતાના બાળકોને દત્તક આપવાની ફરજ પાડવામાં આવી હતી.


