બાળકોમાં વેપ્સનો ઉપયોગ ભયજનક રીતે વધ્યોઃ ડોક્ટરોની ચેતવણી

શ્વસનતંત્રની તકલીફોના કારણે હોસ્પિટલમાં દાખલ થતા બાળકોની સંખ્યામાં મોટો વધારો, ડિસ્પોઝેબલ વેપ્સ પર પ્રતિબંધ લાદવા બાળકોના ડોક્ટરોની માગ

Tuesday 06th June 2023 12:54 EDT
 
 

લંડનઃ યુકેમાં બાળકોમાં વેપ્સનો ઉપયોગ ભયજનક રીતે વધી રહ્યો હોવાની ચેતવણી ડોક્ટરો દ્વારા આપવામાં આવી રહી છે. વરિષ્ઠ ડોક્ટરોએ ચેતવણી આપી છે કે વેપિંગના કારણે શ્વસનતંત્રમાં સર્જાયેલી તકલીફોના કારણે બાળકોને હોસ્પિટલોમાં દાખલ કરવાની નોબત આવી રહી છે. આ એક પ્રકારનો વિચલિત કરનારો યૂથ વેપિંગ રોગચાળો કહી શકાય. અગ્રણી બાળકોના ડોક્ટરોના જણાવ્યા અનુસાર નિકોટિનના હાઇ ડોઝ ધરાવતા ગેજેટ બાળકોને નાની ઊંમરમાં જ તેના વ્યસની બનાવી રહ્યાં છે. તેના કારણે ક્લિનિકોમાં ફેફસાંની મુશ્કેલીઓ સાથેના બાળદર્દીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. તેમ રોયલ કોલેજ ઓફ પિડિયાટ્રિક્સ એનમ્ડ ચાઇલ્ડ હેલ્થના પોલિસી માટેના વાઇસ પ્રેસિડેન્ટ ડો. માઇકલ મેકકીને જણાવ્યું હતું.

વેપિંગના કારણે બાળકોમાં શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુઃખાવો, ફેફસામાં બળતરા અને ગંભીર પ્રકારના કેસોમાં શ્વસનતંત્ર નિષ્ફળ જવા જેવી તકલીફો જોવા મળી રહી છે. રોયલ કોલેજે તમામ પ્રકારની ડિસ્પોઝેબલ ઇ-સિગારેટ પર પ્રતિબંધ લાદવાની માગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે બાળકોમાં વેપિંગનો ઉપયોગ એક મહામારી બની રહી છે.

ડો. મેકકીને જણાવ્યું હતું કે, હોસ્પિટલો અને ક્લિનિકોમાં વેપિંગના કારણે શ્વાસમાં થઇ રહેલી તકલીફો ધરાવતા બાળકોની સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો છે. બાળકો દ્વારા સૌથી વધુ ડિસ્પોઝેબલ વેપ્સનો ઉપયોગ કરી રહ્યાં છે. વેપિંગ કરનારા બાળકો અને યુવાઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.

ડોક્ટરોએ ડિસ્પોઝેબલ વેપ્સ પર સંપુર્ણ પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. તેમણે જણાવ્યું છે કે ડિસ્પોઝેબલ વેપ્સ બાળકોના ફેફસાને નુકસાન પહોંચાડી શકે છે અને પર્યાવરણ માટે પણ હાનિકારક છે. જોકે ધુમ્રપાન વિરોધી જૂથો આનો વિરોધ કરતા કહે છે કે આ પ્રકારનો પ્રતિબંધ મૂકવાથી જે લોકો ધુમ્રપાનનો ત્યાગ કરવા માગે છે તેમના માટે મુશ્કેલી સર્જાશે અને ગેરકાયદેસર વેપ્સના વેપારનું દુષણ વકરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter