બાળમૃત્યુથી શોકગ્રસ્ત પેરન્ટ્સને બે સપ્તાહની સવેતન રજાનો હક

Wednesday 29th January 2020 05:54 EST
 
 

લંડનઃ ૧૮ વર્ષથી ઓછી વયના સંતાનના મોતથી શોકગ્રસ્ત પેરન્ટ્સને ઓછામાં ઓછાં બે સપ્તાહની સવેતન રજા મળે તેવો અધિકાર આપતો કાયદો ‘જેક્સ લો’ ઘડી કઢાયાની જાહેરાત બિઝનેસ સેક્રેટરી આન્દ્રેઆ લીડસોમે કરી છે. એપ્રિલથી અમલી થનારા આ કાયદાને ૨૦૧૦માં તળાવમાં ડૂબી મોત પામનારા ૨૩ મહિનાના બાળક જેક હર્ડનું નામ અપાયું છે.

જેક હર્ડના મોત સમયે તેના પિતાને માત્ર ત્રણ દિવસની રજા અપાઈ હતી. તે સમયે ફ્યુનરલ માટે એક દિવસ સહિત ત્રણ દિવસની કાનૂની રજા મળતી હતી. આ પછી જેકની માતા લ્યૂસીએ ચેરિટી સંસ્થાઓ સાથે મળી ૨૦૧૩માં શોકગ્રસ્ત માતાપિતા માટે યોગ્ય નીતિ ઘડવા ‘જેક્સ રેઈનબો’ અભિયાન ચલાવ્યું હતું.

લ્યૂસી હર્ડે જણાવ્યું હતું કે,‘બાળકના મૃત્યુ પછી પેરન્ટ્સને સંતાનને ગુમાવવા, અન્ય બાળકો સહિત સમગ્ર પરિવારના દુઃખ તેમજ મોટા પ્રમાણમાં વહીવટી પેપરવર્ક તથા અન્ય કામકાજનો સામનો કરવાનો આવે છે. મારા પુત્ર જેકના મૃત્યુ પછી આ અભિયાનથી રચનાત્મક પરિવર્તન લાવવાનો મારો પ્રયાસ હતો.’

પેરન્ટ્સ આ રજાઓ એક સામટી અથવા બાળકના મૃત્યુના એક વર્ષમાં એક-એક સપ્તાહના બે ટુકડામાં લઈ શકશે. નવા કાયદા સાથે યુકે વિશ્વમાં આવી લાંબી રજાનો અધિકાર આપનાર પ્રથમ દેશ બન્યો છે. શેડો બિઝનેસ સેક્રેટરી રેબેકા લોન્ગ-બેઈલી સહિતના નેતાઓએ આ કાયદાને વધાવી લીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter