બાળાનાં જાતિય શોષણ બદલ નિઘા હુસૈનને ૧૮ વર્ષની જેલ

Thursday 12th August 2021 05:45 EDT
 
 

લંડનઃ બ્રેડફોર્ડમાં પાંચ વર્ષના ગાળા સુધી નાની બાળાનું યૌનશોષણ કરનારા ૪૮ વર્ષીય નિઘા હુસૈનને બ્રેડફોર્ડ ક્રાઉન કોર્ટે ૨૯ જુલાઈ, ગુરુવારે કુલ ૧૮ વર્ષની જેલની સજા ફરમાવી છે. નવ દિવસની ટ્રાયલ પછી સહમતિએ ચુકાદો અપાયો હતો. હુસૈનને આજીવન સેક્સ ઓફેન્ડર રજિસ્ટરમાં મૂકાયો હતો.

બર્મિંગહામના કોર્ટ રોડના રહેવાસી નિઘા હુસૈન વિરુદ્ધ અશ્લીલ હુમલા, અશ્લીલ હરકતો અને બાળક સાથે બળાત્કાર સહિતના આરોપો લગાવાયા હતા. બ્રેડફોર્ડ ક્રાઉન કોર્ટે ૨૯ જુલાઈ, ગુરુવારે હુસૈનને ૧૮ વર્ષની જેલની સજા ફરમાવી હતી જેમાં, બાળકના બળાત્કારના પ્રયાસ માટે ૧૪ વર્ષ અને અશ્લીલ હુમલા માટે ચાર વર્ષની સજા કરી હતી. આ ઉપરાંત, બાળક સાથે અયોગ્ય વ્યવહાર માટે ત્રણ વર્ષની સજા થઈ હતી જે આ સજા સાથે ભોગવવાની રહેશે.

નિઘા હુસૈન ૨૨ વર્ષનો હતો ત્યારે બ્રેડફોર્ડની નાની બાળા સાથે જાતિય અડપલાં શરૂ કર્યા હતા અને આ દુર્વ્યવહાર પાંચ વર્ષ સુધી ચાલતો રહ્યો હતો. એક દાયકા કરતાં વધુ સમય પછી પીડિતાએ વેસ્ટ યોર્કશાયર પોલીસને આ ઘટનાઓ વિશે જણાવ્યું હતું. વેસ્ટ યોર્કશાયર પોલીસના તપાસ અધિકારી ડેબોરાહ થોર્નેસે જણાવ્યું હતું કે હુસૈનના વ્યવહારની પીડિતા પર ગંભીર અસર પડી હતી. તેણે ઘણા વર્ષ પછી આગળ આવી હુસૈનની પાપલીલા વિશે જાણકારી આપી તે બહાદુરીનું પ્રદર્શન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter