બાસમતી ચોખાની ભારતથી થતી આયાતને મોટો ફટકો પડશે?

Wednesday 15th November 2017 05:06 EST
 
 

લંડનઃ ઈયુ કમિશને બાસમતી ચોખાના ઉત્પાદકોને ચોખાની ખેતીમાં વપરાતા ટ્રાઈસાયક્લાઝોલ કેમિકલનું પ્રમાણ હાલના કાયદેસર માન્ય પ્રમાણથી ૧૦૦મા ભાગનું એટલે કે ૦.૦૧ ppm કરવાનો આદેશ આપ્યો છે. પંચે આ આદેશ જંતુનાશકની અસરને નાબૂદ કરવાના હેતુથી આપ્યો છે. આ નિયંત્રણ બાસમતી ચોખા સિવાય તમામ ઉત્પાદનો પર ૩૦ જૂન ૨૦૧૭થી અમલી બન્યું છે. બાસમતી ચોખા પર તેનો અમલ ૩૦ ડિસેમ્બર ૨૦૧૭થી થશે. તે પહેલા બજારમાં મળતા ચોખા (લણેલા અથવા આયાતી) પર અગાઉનું ૧.૦ ppmનું નિયંત્રણ તો અમલમાં રહેશે.

યુકેની અગ્રણી રાઈસ બ્રાન્ડસ કોહિનુર અને ટિલ્ડા આ નિયંત્રણનો અભ્યાસ કરવા સાથે સાવચેતીના પગલાં લઈ રહી છે. નવા નિયત્રંણનું પાલન કરવાની બન્નેએ પ્રતિબદ્ધતા દર્શાવી છે. બ્રિટિશ બિઝનેસમેન અને રિટેલર્સના માનવા મુજબ આગામી છ મહિના સુધી ભારતના બાસમતી ચોખા માટે કોઈ તકલીફ નથી અને તેના વિશે મીડિયામાં જે કાંઈ પણ લખાયું છે તેની યુકેના ગ્રાહકો પર કોઈ અસર નથી.

ભારતમાં ચોખાનો પાક લેતા ખેડૂતો દાયકાઓથી આ કેમિકલનો ઉપયોગ કરે છે. તેઓ વિશ્વમાં પાકતા કુલ બાસમતી ચોખામાંથી ૬૦ ટકા ચોખા પકવે છે. ઈયુ દર વર્ષે ૩૬૦,૦૦૦ ટન બાસમતી ચોખાની આયાત કરે છે તેમાંથી ૧૫૦,૦૦૦ ટન ચોખા સીધા યુકે જાય છે. જાપાન અને અમેરિકામાં આયાતી ચોખામાં કિલોગ્રામ દીઠ ૩ મિલિગ્રામ કેમિકલની છૂટ સામે ઈયુના નિયંત્રણ મુજબ કિલોગ્રામ દીઠ ૧ મિલિગ્રામ વધારે પડતું હતું.

જાન્યુઆરી, ૨૦૧૮ પહેલા આયાત કરાયેલા ચોખાને ઈયુમાં પ્રવેશ મળશે. તેનો મતલબ એ કે શોપ્સમાં રહેલો ચોખાનો જથ્થો પાછો ખેંચાશે નહીં. રાઈસ એસોશિએશનના ડિરેક્ટર એલેક્સ વોએ તેને સમર્થન આપતા જણાવ્યું હતું કે નિયમમાં સ્પષ્ટતા કરાઈ છે કે ચોખાના માર્કેટિંગ, પ્રોસેસિંગ અને વપરાશને છૂટ આપવા આ વ્યવસ્થા કરાઈ છે. ચોખા લાંબો સમય ટકે છે તેનો ઉલ્લેખ કરીને સ્પષ્ટ જણાવાયું છે કે નવો નિયમ અગાઉ લેવાયેલા પાક માટે નહીં પરંતુ ભવિષ્યમાં થનારા ચોખાના ઉત્પાદન માટે જ છે.

જોકે, ચોખા ઉગાડતા ખેડૂતો માટે આ સમાચાર સંપૂર્ણપણે રાહતના નથી. ભારતમાં ચોખાની લણણી ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં થાય છે. તેથી અગાઉના ધારાધોરણ મુજબના ચોખાની નિકાસ જાન્યુઆરી,૨૦૧૮ સુધીમાં કરવી અશક્ય છે.

લંડનના કન્ઝર્વેટિવ MEP સૈયદ કમાલે જણાવ્યું હતું કે ખેડૂતોની આજીવિકા પર આની નુક્સાનકારક અસર પડશે અને આપણે બ્રિટનમાં આપણા લોકપ્રિય ચોખા માટે વધારે રકમ ચૂકવવી પડશે. ભારતથી આયાત કરાતા ચોખાના ભાવમાં ફેરફાર અંગે હજુ સુધી સત્તાવાર કોઈ સમર્થન મળ્યું નથી.

ભારત સરકારે અગાઉ જણાવ્યું હતું કે ચોખા ઉગાડતા ખેડૂતોને પાકમાં અસરકારક ફેરફાર માટે ઓછામાં ઓછા ત્રણ વર્ષનો સમય લાગે છે અને ઈયુ દ્વારા અચાનક મૂકાયેલું નિયંત્રણ ચોખાની આયાતમાં ભારતના વર્ચસ્વને નુક્સાન પહોંચાડશે.

ભારતના બેલ્જિયમ ખાતેના એમ્બેસેડરને એવું કહેતા ટાંકવામાં આવ્યા હતા કે ઈયુ પંચે ટ્રાઈસાયક્લાઝોલને લીધે કેન્સર થવાની શક્યતા વિશે જાણ્યા સિવાય સાવચેતીના સિદ્ધાંતના આધારે તેનો નિર્ણય લીધો છે. આ વાતને વોએ સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આયાત પરનો પ્રતિબંધ ટ્રાઈસાયક્લાઝોલ હાનિકારક નીવડી શકે તેને લીધે નહીં પરંતુ તેની લાંબા ગાળાની અસરો વિશે હજુ સુધી અભ્યાસ થયો ન હોવાથી લીધો હતો. આ વાત સમજી શકાય તેવી છે પરંતુ, વર્ષોથી ઉપયોગમાં લેવાતા અને જેના માટે હજુ સુધી કોઈ મેડિકલ કમ્પલેન્ટ મળી નથી તેવા કેમિકલ માટે ચિંતા કરતા નિયમને અમલી બનાવતા નિર્ણયના સમય વિશે સવાલો ઉભા થાય છે.

તેમણે ઉમેર્યું હતું કે ઉત્પાદકો અને ઈયુ પંચ આ કેમિકલની અસરોને માન્ય કે અમાન્ય રાખવા માટે અભ્યાસ હાથ ધરાવશે. આ કેમિકલ સલામત જણાશે તો ૨૦૧૯માં આ નિયમ રદ થવાની શક્યતા છે. જોકે, તે રદ થવા વિશે અનિશ્ચિતતા પ્રવર્તે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter