લંડનઃ જગમશહૂર બિગ બેન ક્લોકનું ૮૦ મિલિયન પાઉન્ડના ખર્ચની નવસજાવટ પછી પુનઃ અનાવરણ કરાયું હતું અને તેના પરિણામથી આશ્ચર્યચકિત લોકો મોમાં આંગળા નાખી ગયા છે. પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરની ટાવર ઘડિયાળની આસપાસથી માંચડા ખસેડી લેવાયા પછી લોકોને તેનું નવું સ્વરુપ જોવાં મળ્યું હતું. કોવિડના કારણે આ વર્ષે આતશબાજી રદ કરાઈ હતી પરંતુ, બિગ બેને નવા વર્ષ ૨૦૨૨ના વધામણા કરતા ૧૨ ડંકા વગાડ્યા હતા.
ટાવર ક્લોકની આસપાસના માંચડા ખસેડી લેવાયા પછી લંડનવાસીઓ બિગ બેનના રંગરોગાન સાથેના નવા સ્વરુપની ચર્ચા કરી રહ્યા છે. મોટા ભાગના લોકો ઉજાસપૂર્ણ રંગના સૌંદર્યને વખાણી રહ્યા છે. આમ છતાં, નવસજાવટ પાછળ આટલા જંગી ખર્ચા મુદ્દે સંમત થતા નથી.
એલિઝાબેથ ટાવરના ૧૬૦ વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ પાંચ વર્ષનો રિસ્ટોરેશન પ્રોજેકટ ૨૦૧૭માં શરૂ કરાયો ત્યારે ખર્ટનો અંદાજ ૨૯ મિલિયન પાઉન્ડ મૂકાયો હતો જે વધીને ૮૦ મિલિયન પાઉન્ડ થયો છે. આ વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં તેનું સંપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ જશે. તેના ઘંટને ઓગસ્ટ ૨૦૧૭થી ટાઈમ મિકેનિઝમથી અલગ કરી દેવાયા હતા પરંતુ, રિમેમ્બરન્સ ડે અને નવા વર્ષના દિવસ જેવા વિશેષ પ્રસંગોએ ઘડિયાળની ઘંટ વાગવાની કામગીરી ચાલુ રખાઈ હતી. આ ક્લોકની ડિઝાઈન એડમેન્ડ બેકેટે કરી હતી અને ૧૮૫૯માં એડવર્ડ જ્હોન ડેન્ટ દ્વારા તેને ઈન્સ્ટોલ કરાઈ હતી.


