બિઝનેસ કરવા માટે બ્રિટન શ્રેષ્ઠઃ ફોર્બસની વિશ્વયાદીમાં પ્રથમ ક્રમ

Wednesday 03rd January 2018 06:07 EST
 
 

લંડનઃ ઈયુ અને યુકે વચ્ચે વિશિષ્ટ સંબંધો તોડવાની ધમાલ ચાલી રહી છે ત્યારે જ ૨૦૧૮માં વિશ્વમાં બિઝનેસ કરવા માટે શ્રેષ્ઠ દેશોની ફોર્બસની યાદીમાં બ્રિટને સૌપ્રથમ વખત પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. બ્રિટન પછી બીજા ક્રમે ન્યૂ ઝીલેન્ડ તેમજ નેધરલેન્ડ્સ, સ્વીડન અને કેનેડાનો નંબર આવે છે.

યુએસ ૧૨મા અને ભારત ૬૨મા ક્રમે છે. બ્રેક્ઝિટના કારણે બ્રિટનની આર્થિક હાલત કથળશે અને તેના અર્થતંત્રને ગંભીર અસર થવાના દાવાઓ વચ્ચે બ્રિટને ફોર્બસના વાર્ષિક સર્વેમાં પાંચમા ક્રમથી પ્રથમ ક્રમ સુધીની છલાંગ મારી છે. વર્કર્સ અને ટેકનોલોજી મુદ્દે બ્રિટનની ભારે પ્રશંસા થઈ છે અને ઈયુ જનમત પછી પણ સંખ્યાબંધ મોટી પેઢીઓ યુકેમાં રહેવા કટિબદ્ધ જણાઈ છે, જે યુકેના અર્થતંત્રમાં વિશ્વાસ દર્શાવે છે.

ફોર્બસના રિપોર્ટ મુજબ બ્રેક્ઝિટ મતના પગલે આર્થિક પતનની ગંભીર ચેતવણીઓ છતાં બ્રિટનમાં બેરોજગારી ૪૨ વર્ષના તળિયે છે અને બિઝનેસનું વાતાવરણ આકર્ષક છે. ૨૦૧૬નો જીડીપી ૧.૮ ટકાના દરે વધ્યો છે. ફોર્બસના રેન્કિંગ પ્રોપર્ટી અધિકાર, ઈનોવેશન, ટેક્સ રેટ્સ, ટેકનોલોજી, ભ્રષ્ટાચાર, આઝાદી, રેડ ટેપ અને ઈન્વેસ્ટરને રક્ષણ સહિત ૧૫ મુદ્દાના આધારે કરાયા હતા. બ્રિટને ટેકનોલોજી તેમજ વર્કફોર્સના કદ અને શિક્ષણ અંગે સારો સ્કોર હાંસલ કર્યો છે. જોકે, રાજકીય જોખમ તેનું નબળું પાસું રહ્યું છે.

તાજેતરમાં જ બ્રસેલ્સતરફી CBIએ જણાવ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ ઓર્ડર બુક્સ ૩૦ વર્ષની સૌથી ઊંચી સપાટીએ છે ત્યારે આ રિપોર્ટ દર્શાવે છે કે બ્રિટન ઈયુની બહાર પણ સમૃદ્ધ બની શકશે. લંડનમાં હેડક્વાર્ટર સ્થાપવા એપલ, યુએસ બેન્ક વેલ્સ ફારગો અને ફેસબૂક સહિતની મહાકાય કંપનીઓ દોડી રહી છે. ફાઈનાન્સિયલ સર્વિસીસના ત્રણ વૈશ્વિક કેન્દ્રોમાં લંડન એક છે. લંડનને પડકારવા કેટલાક યુરોપીય કેન્દ્રો પાસે તક છે પરંતુ, તેમનામાં ખામી ઘણી છે.

બેસ્ટ કન્ટ્રીઝ ફોર બિઝનેસની ૧૫૩ દેશની યાદીમાં હોંગ કોંગ (૬), ડેનમાર્ક (૭), આયર્લેન્ડ (૮), સિંગાપોર (૯), સ્વીટ્ઝર્લેન્ડ (૧૦), યુએસ (૧૨), જર્મની (૧૩), જાપાન (૨૧), ફ્રાન્સ (૨૨), ઈટાલી (૨૯), સાઉથ આફ્રિકા (૪૮), સાઊદી અરેબિયા (૫૦), રશિયા (૫૮), ચીન (૬૬), શ્રી લંકા (૭૭), પાકિસ્તાન (૧૦૨) સહિત દેશોનો સમાવેશ થાય છે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter