બિઝનેસ ટાયકૂન શ્રીચંદ હિન્દુજાની ફાની દુનિયાને અલવિદા

હિન્દુજા પરિવારના મોભીની વિદાયથી યુકેનો ભારતીય સમુદાય શોકમાં ગરકાવ

Tuesday 23rd May 2023 13:10 EDT
 
 

લંડનઃ શ્રીચંદ હિન્દુજા, 20મી સદીના મધ્યમાં ભારત અને ઇરાનમાં શરૂ કરાયેલા એક નાના બિઝનેસમાંથી મહાકાય બિઝનેસ એમ્પાયરનું સર્જન કરનાર બિઝનેસ વર્લ્ડનું એક પ્રભાવશાળી વ્યક્તિત્વ હતા. ભારત અને ઇરાનમાં શરૂ કરાયેલો એક નાનકડો બિઝનેસ સમયની સાથે ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ, ઇન્ફર્મેશન ટેકનોલોજી અને ઓઇલ સહિતના વિવિધ સેક્ટરમાં ગ્લોબલ નેટવર્ક બની ગયો હતો.

બિઝનેસ જગતમાં નોંધપાત્ર સિદ્ધીઓ છતાં હિન્દુજાનું નામ અવારનવાર પીટર મેન્ડલસનને સંડોવતા પાસપોર્ટ વિવાદની યાદ અપાવી દે છે. ન્યૂ લેબર મૂવમેન્ટના આ અગ્રણીને આ વિવાદને કારણે ટોની બ્લેરની સરકારમાંથી રાજીનામુ આપવાની ફરજ પડી હતી. જોકે, 87 વર્ષની વયે ફાની દુનિયાને અલવિદા કહી જનાર શ્રીચંદ હિન્દુજા બિઝનેસ મેગ્નેટ કરતાં પણ વિશેષ હતા. ભારતીય મૂળના ચાર ભાઇઓમાં જયેષ્ઠ એવા શ્રીચંદમાં સંપર્કો તૈયાર કરવાની, ભવ્ય મેળાવડાઓ યોજવાની અને જ્યોર્જ બુશથી માંડીને માઇકલ જેક્શન સુધીના પ્રભાવશાળીઓ સાથે ગાઢ સંબંધો સ્થાપિત કરવાની ક્ષમતા હતી. તેઓ ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા અને શરાબ અને માંસાહારથી દૂર રહેતા. ડિમેન્શિયાનો ભોગ બન્યા તે પહેલાં શ્રીચંદ હિન્દુજા નિયમિત રીતે દિવસમાં ઓછામાં ઓછું એકવાર હિન્દુ મંદિરમાં પૂજા કરતા હતા.

શ્રીચંદ હિન્દુજાનો જન્મ હાલના પાકિસ્તાનમાં સ્થિત સિંધ પ્રાંતમાં વર્ષ 1935માં થયો હતો. તેમનો પરિવાર ઇરાનના તહેરાનમાં સ્થાયી થયો હતો અને પિતા પરમાનંદ હિન્દુજાએ સૂકામેવાનો બિઝનેસ શરૂ કર્યો હતો. હિન્દુજા બંધુઓએ ઇરાનમાં હિન્દી ફિલ્મો ફારસીમાં ડબ કરી ડિસ્ટ્રિબ્યુટ કરવા અને સશસ્ત્ર દળોને યુનિફોર્મ પૂરા પાડવાના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. તેમણે ઇરાનના શાહ સાથે ગાઢ સંબંધો વિકસાવીને 1974ની ઓઇલ કટોકટી દરમિયાન ઓઇલના બિઝનેસમાંથી તગડી કમાણી કરી હતી. ઇરાનમાં 1979ની ઇસ્લામિક ક્રાંતિ બાદ શ્રીચંદ તેમના ભાઇ ગોપીચંદ સાથે લંડનમાં સ્થાયી થયા જ્યારે પ્રકાશ હિન્દુજા જિનિવા અને અશોક હિન્દુજા મુંબઇ પહોંચ્યા હતા.

એસપીના નામે જાણીતા શ્રીચંદ હિન્દુજાએ લંડનમાં હેમાર્કેટ પર આવેલા બિઝનેસ હેડક્વાર્ટર ન્યૂઝીલેન્ડ હાઉસ ખાતેથી પોતાના કોમોડિટી ટ્રેડિંગના બિઝનેસથી હટીને નવા ક્ષેત્રોમાં ઝંપલાવવાનું શરૂ કર્યું હતું. 1987માં તેમણે અશોક લેલેન્ડ કંપનીમાં હિસ્સો ખરીદીને પબ્લિક કંપનીઓમાં પહેલીવારનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ તેમના દ્વારા ટેલિકોમ્યુનિકેશન અને પાવરથી માંડીને વિવિધ સેક્ટરમાં વ્યાપક મૂડીરોકાણ કરાયું. હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, ગલ્ફ ઓઇલ ઇન્ટરનેશનલ જેવી કંપનીઓ દ્વારા તેમણે બિઝનેસ એમ્પાયરને વધુ વિસ્તાર્યું હતું. આજે હિન્દુજા ગ્રુપ સમગ્ર વિશ્વમાં બે લાખથી વધુ લોકોને રોજગાર આપે છે. હિન્દુજા પરિવાર લંડનમા બકિંગહામ પેલેસનો પાડોશી છે.

બ્રિટનના નામાંકિત બિઝનેસ એમ્પાયરના વડા હોવા ઉપરાંત હિન્દુજાએ કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટીઓના પ્રભાવશાળી નેતાઓ સાથે ગાઢ સંબંધો વિકસાવ્યા હતા. માર્ગારેટ થેચર, એડવર્ડ હીથ, જ્હોન મેજર જેવા પૂર્વ વડાપ્રધાનો સાથેના સંબંધોના કારણે તેમણે લાભ પણ મેળવ્યા હતા. પાછળથી તેમણે લેબર પાર્ટી સાથે પણ ગાઢ સંબંધો વિકસાવ્યા હતા. મેન્ડલસનના કહેવાથી હિન્દુજાએ સરકારના મિલેનિયમ ડોમ પ્રોજેક્ટમાં આર્થિક સહાય કરી હતી. જોકે મેન્ડલસન પર હિન્દુજાને બ્રિટિશ નાગરિકતા અપાવવાના આરોપ મૂકાતા તેમને 2001માં રાજીનામુ આપવાની ફરજ પડી હતી. જોકે તપાસમાં મેન્ડલસનને નિર્દોષ જાહેર કરાયા હતા.

દાયકાઓથી હિન્દુજા બંધુઓ પરિવારની એકતા માટે નમૂનારૂપ હતા અને ઘણીવાર જાહેરમાં એકસમાન વસ્ત્રપરિધાન કરીને દેખા દેતાં હતાં. શ્રીચંદ હિન્દુજા સામુહિક માલિકીમાં માનતા અને વિલની પરંપરાને નકારતા હતા. 1992માં પુત્ર ધરમનું મોત શ્રીચંદ માટે કરૂણાંતિકા પૂરવાર થયું હતું.

ભારત, યુકે, સમાજ અને પરિવારને મોટી ખોટ પડીઃ લોર્ડ રેમી રેન્જર

લોર્ડ રેમી રેન્જરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આપણે હિન્દુજા ગ્રુપના ચેરમેન શ્રીચંદ હિન્દુજાને ગુમાવ્યા છે. તેમના નિધનથી પરિવાર, સમાજ, ભારત અને યુકેને મોટી ખોટ પડી છે. તેમણે ભારત અને યુકે વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા ઘણી મહેનત કરી હતી. પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે..

શ્રીચંદ હિન્દુજા સાચા રોલ મોડેલ, અસંખ્ય જીવનો બદલી નાખ્યાઃ લોર્ડ ડોલર પોપટ

વિઝનરી ટાઇટન શ્રીચંદ હિન્દુજાના નિધનનો આપણે એક સમુદાય તરીકે શોક મનાવી રહ્યાં છીએ. તેમની સિદ્ધીઓ અને બિઝનેસ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ વિશ્વમાં અનેરી છાપ મૂકી છે. હિન્દુજા ગ્રુપે તેમની આગેવાનીમાં બેન્કિંગ, ઓઇલ અને હેલ્થકેર જેવા સેક્ટરોમાં નવી ઊંચાઇ પ્રાપ્ત કરી છે. શ્રીચંદ એક સાચા રોલ મોડેલ, અસંખ્ય લોકો માટે પ્રેરણાસમાન રહ્યાં છે. તેમનો નમ્ર સ્વભાવ, પ્રભાવ અને સખાવતોએ તેમને અનોખા માનવી તરીકે પ્રસ્થાપિત કર્યાં છે. તેમણએ ભારતના સમૃદ્ધ વારસાને વિશ્વભરમાં પ્રમોટ કરવા અથાક પરિશ્રમ કર્યો હતો. તેમના યોગદાનોએ અસંખ્ય જીવનો બદલી નાખ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter