બિઝનેસીસ અને સર્વિસીસ માટે ફાઈનાન્સ મેળવવા સંદર્ભે કોવિડ-૧૯ વેબિનાર યોજાયો

ભારતીય હાઈ કમિશન, ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) અને ઈન્ડિયા પ્રોફેશનલ ફોરમ (IPF)નો સહિયારો કાર્યક્રમ સહયોગ

Thursday 07th May 2020 23:49 EDT
 
 

 

લંડનઃ યુકેસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) અને ઈન્ડિયા પ્રોફેશનલ ફોરમ (IPF)ના સહયોગથી ભારતીય ડાયસ્પોરાના લઘુ બિઝનેસીસ, સ્ટાર્ટ અપ્સ, યુકેસ્થિત પ્રોફેશનલ્સ તેમજ યુકે-ઈન્ડિયા બિઝનેસ કોરિડોર્સમાં યુકે બિઝનેસીસ માટે ‘નેવિગેટિંગ કોવિડ-૧૯: એસેસિંગ ફાઈનાન્સ થ્રુ CBILS ફોર યોર બિઝનેસ’ વિશે વેબિનાર યોજવામાં આવ્યો હતો.

આ વેબિનારમાં ફાઈનાન્સિયલ સર્વિસીસ, હેલ્થકેર, આઈટી અને આઈટી સર્વિસીસ, ટ્રેડિંગ અને બિઝનેસ સર્વિસીસ સહિતના ક્ષેત્રો સાથે સંકળાયેલા ૬૦થી વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી જ્યાં, નાના બિઝનેસીસ માટેની યોજના CBIL સંદર્ભે મુદ્દાઓ અને પડકારોની પણ વાત કરાઈ હતી. આ યોજના હેઠળ ભંડોળ મેળવવા નોન-બેન્કિંગ વિકલ્પોની વિચારણા પણ થઈ હતી.

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર મિસિસ રુચિ ઘનશ્યામે જણાવ્યું હતું કે,‘આ મહામારીએ આપણા જીવન સામે નિશ્ચિતરુપે પડકારો ઉભાં કર્યાં છે પરંતુ, આપણે તેમાંથી સલામતરુપે બહાર નીકળવાના પ્રયાસો કરવા જ જોઈએ. અમે નવી ટેકનોલોજીઓ સાથે બિઝનેસીસ સાથે કામ કરવાના આયોજનના નવા માર્ગો શોધી રહ્યા છીએ. ભારતીય હાઈ કમિશનની ઈકોનોમિક ટીમ યુકેમાં બિઝનેસીસને મદદ કરવા તૈયાર છે.’

લોર્ડ કરણ બિલિમોરીઆએ જણાવ્યું હતું કે,‘આ હેલ્થ અને વેલ્થ વચ્ચેનું યુદ્ધ નથી. અધીરાઈને આંધળુકિયા સાથે સરખાવી શકાય નહિ. અર્થચતંત્રનો પુનઃ આરંભ એ રીતે થવો જોઈએ જેથી બીજું લોકડાઉન ટાળી શકાય. આ કટોકટીમાં બહાર નીકળવા અમે CBI ખાતે ‘રીસ્ટાર્ટ, રિવાઈવલ અને રિન્યુઅલ’ મંત્ર અપનાવીએ છીએ. આપણે સ્પષ્ટ વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે ટકાઉ રિસ્ટાર્ટ કરવાની જરૂર છે.’

આ પછી, ઈન્ડિયા પ્રોફેશનલ ફોરમ ના પ્રમુખ ડો. મોહન કોલે મોડરેટર તરીકે ‘એસેસિંગ ફાઈનાન્સ થ્રુ CBILS ફોર સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસીસ’ પર પેનલચર્ચાનો આરંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે,‘આ વેબિનાર ભારતીય ડાયસ્પોરા બિઝનેસીસ સફળતાના માર્ગે આગળ વધતા રહે તેમજ યુકેની ઈકોનોમીને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ બની રહે તેમાં મદદ કરવા સંયુક્ત પહેલોનો એક ભાગ છે.’ પેનલના સભ્યોમાં SBIના રિજિયોનલ ડાયરેક્ટર અને SBI UK ના સીઈઓ મિ. શરદ ચંડાક, ફન્ડિંગ એક્સચેન્જના સીઈઓ અને સહસ્થાપક મિસ કેટરીન હેરલિંગ, બાર્કલેઝ વેન્ચર્સના સીઈઓ મિ. બેન ડેવી, ડેટ ફાઈનાન્સના સીનિયર ડાયરેક્ટર મિ. દીપેશ ઠકરાર અને OakNorthનો સમાવેશ થયો હતો. ચર્ચામાં CBIL વિશે વિસ્તૃત ચર્ચા અને પ્રશ્નોત્તરી પણ કરાઈ હતી.

બાર્કલેઝ વેન્ચર્સના સીઈઓ મિ. બેન ડેવીએ કહ્યું હતું કે,‘ SME આપણા અર્થતંત્રનું હાર્દ છે અને સરકારે તેના માટે વિવિધ સહાય યોજનાઓ જાહેર કરી છે. SMEને આ ભંડોળ મળી રહે તે માટે બેન્કિંગ ઈન્ડસ્ટ્રીએ મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે.’

OakNorthના ગ્રૂપ સીઈઓ અને સહસ્થાપક મિ, રિશિ ખોસલાએ સંદેશામાં જણાવ્યું હતું કે,‘ આ કટોકટી ૨૦૦૮ કરતાં પણ વધુ ખરાબ છે. મહામારી પહેલા જે બિઝનેસીસ મજબૂત, નફાકારક અને તંદુરસ્ત હતા તેઓ પણ અસ્તિત્વ જાળવવા આજે સંઘર્ષ કરી રહ્યા છે. અત્યંત કપરા કાળમાંથી બહાર નીકળવા તેમને મદદ કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. એક સમાજ તરીકે આપણે અરસપરસ, નિરાધારોને મદદ અને SMEs નું રક્ષણ કરવા એકજૂથ થવું જોઈએ. જો આપણે આ કરીશું તો આવનારી પેઢીઓ માટે મોટું ઉદાહરણ બની રહેશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter