બિઝનેસીસને કોવિડ લોન્સ ચુકવવા વધુ સમય અપાશે

Wednesday 10th February 2021 04:51 EST
 
 

લંડનઃ કોરોના મહામારીના કારણે માર સહન કરી રહેલા બિઝનેસીસને સરકારી સપોર્ટ લોન્સના પ્રથમ હપ્તાની ચૂકવણી કરવા વધુ સમય અપાશે તેમ ચાન્સ્લર રિશિ સુનાકે જણાવ્યું છે. ચાન્સેલરે પ્રથમ હપ્તાની ચૂકવણી માટે છ મહિનાની રાહ જોવા તેમજ ૧૦ વર્ષમાં લોનની સંપૂર્ણ ચૂકવણી કરવાના વિકલ્પો બિઝનેસીસને આપ્યા છે. ટ્રેઝરીએ સપ્ટેમ્બરમાં ઉદાર શરતો સાથે ‘પે એઝ યુ ગ્રો’ લોન્સની જાહેરાત કરી હતી. ૧.૪ મિલિયન ફર્મ્સે ૧૪૫ બિલિયન પાઉન્ડની ‘બાઉન્સ બેક’ લોન મેળવી હતી. કોરોના વાઈરસ નિયંત્રણોના કારણે નફો તદ્દન ઘટી જતાં ઘણા બિઝનેસીસ માટે તે જીવનદાયી પુરવાર થઈ હતી.

ચાન્સેલરની નવી ઓફરમાં છ વર્ષના બદલે ૧૦ વર્ષમાં લોનની સંપૂર્ણ ચૂકવણી કરવાનો તેમજ લોન પર માત્ર ૨.૫ ટકાનું ઈન્ટરેસ્ટ ચૂકવવાની પસંદગી અપાઈ છે. સુનાકે સપ્ટેમ્બરમાં જાહેરાત કરી હતી કે બિઝનેસીસ અડધા વર્ષ માટે હપ્તા નહિ ચૂકવવાનું પસંદ કરી શકે છે. જોકે, તેમણે છ હપ્તા ચૂકવ્યા પછી જ આ કરી શકાશે તેમ કહ્યું હતું. હવે આ નીતિને હળવી બનાવતા ચાન્સેલરે બિઝનેસસને તેમના પ્રથમ હપ્તાની ચૂકવણી હોય તેના પર વધારાના છ મહિનાનાના સમયની પસંદગીનો વિકલ્પ આપ્યો છે. આનો અર્થ એ છે કે ૧૨ મહિનાના પ્રાથમિક વ્યાજ અને રીપેમેન્ટ હોલીડેની સાથે મહત્તમ ૫૦,૦૦૦ પાઉન્ડની લોન લેનારાઓને તેમનું દેવું ચૂકવવાની શરુઆત કરવા અગાઉ ૧૮ મહિનાનો સમયગાળો મળશે.

રીપેમ્ટ્સ પ્લાન છ વર્ષથી લંબાવી ૧૦ વર્ષનો કરવાથી બિઝનેસીસને દર મહિને સેંકડો પાઉન્ડ ઓછા ભરવાના થશે. મહત્તમ ૫૦,૦૦૦ પાઉન્ડની લોન લેનારી કંપનીઓની માસિક ચૂકવણી ૯૪૦ પાઉન્ડથી ઘટીને ૪૬૦ પાઉન્ડ થઈ જશે. હવે બેન્કો ટુંક સમયમાં મે મહિનામાં કુલ ૨૦ બિલિયન પાઉન્ડ્સની લોન લેનારા ૬૦૦,૦૦૦થી વધુ બિઝનેસીસને પત્ર પાઠવી નવા ફ્લેક્સિબલ રીપેમેન્ટ વિકલ્પોની સુવિધા બાબતે માહિતી આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter