લંડનઃ ગેરકાયદેસર કામદારો રાખનારા બિઝનેસોને કરાતા 60,000 પાઉન્ડ સુધીના દંડમાંથી બચવામાં મદદ કરનારા એક પેરાલીગલ કર્મચારીને તેની સોલિસિટર કંપની દ્વારા બરખાસ્ત કરી નંખાયો છે. બીબીસીના અંડર કવર રિપોર્ટરને હડર્સફિલ્ડ સ્થિત સોલિસિટર કંપનીના કર્મચારી ઝોહૈબ હુસેને જણાવ્યું હતું કે, ઇમિગ્રેશન દંડમાંથી બચવા માટે તે બિઝનેસ એગ્રિમેન્ટ બનાવી શકે છે. આ માટે તે 3500 પાઉન્ડ વસૂલતો હતો. આરકેએસ સોલિસિટર્સે જણાવ્યું હતું કે, હુસેનને કાયમ માટે નોકરીમાંથી હાંકી કઢાયો છે.
આ મામલામાં તપાસ કરવા હોમ ઓફિસે નેશનલ ક્રાઇમ એજન્સી અને પોલીસ વિભાગોને આદેશ આપ્યો છે. બીબીસી દ્વારા પર્દાફાશ કરાયો હતો કે કુર્દીશ ક્રાઇમ નેટવર્ક દ્વારા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને યુકેમાં ગેરકાયદેસર કામ કરવાની સુવિધા કરી આપવામાં આવે છે.


