લંડનઃ દરિયાપારના વિઝિટર્સે ફેમિલી ડોક્ટર્સની કેટલીક સેવા તેમજ એમ્બ્યુલન્સ અને A&E સંભાળનો ઉપયોગ કરવા માટે નાણા ચુકવવા પડશે. આના પરિણામે દર વર્ષે ૫૦૦ મિલિયન પાઉન્ડની બચત થશે તેમજ આવા પેશન્ટ્સ વાજબી ફાળો આપે તેની ચોકસાઈ કરાશે તેમ હેલ્થ સેક્રેટરી જેરેમી હંટે જણાવ્યું હતું. આ પ્રસ્તાવ વિશે સોમવારથી પરામર્શ પ્રક્રિયાનો આરંભ કરાયો છે, જે છ માર્ચ, ૨૦૧૬ના દિવસે પૂર્ણ થશે. બીજી તરફ, ડોક્ટરોએ જણાવ્યું છે કે જીપી ‘ઈમિગ્રેશન કન્ટ્રોલ’ તરીકે કામ કરી શકે નહિ.
સરકારે આ વર્ષના આરંભે એમ્બ્યુલન્સ અને A&E સંભાળ માટે ચાર્જ લેવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો પરંતુ હવે તેને કેટલીક જીપી સેવાઓ સુધી વિસ્તારાયો છે. આ દરખાસ્તો હેઠળ રેફ્યુજી અને એસાઈલમ સીકર્સને ચાર્જમાંથી મુક્ત રખાશે અને કોઈને પણ જરૂરિયાતમાં ઈમર્જન્સી સંભાળનો ઈનકાર નહિ કરાય. યુરોપીય ઈકોનોમિક એરિયા (EEA) બહારના મુલાકાતીઓ આયોજિત અને તાકીદની ન હોય તેવી હોસ્પિટલ સંભાળ માટે નાણા ચુકવે જ છે. EEA દેશોના મુલાકાતીઓએ NHSના ઉપયોગ કરતા સમયે યુરોપિયન હેલ્થ ઈન્સ્યુરન્સ કાર્ડ (EHIC) દર્શાવવાનું રહે છે, જેથી તેમની આરોગ્યસંભાળનો ખર્ચ જે તે દેશોની સરકારો પાસેથી પરત મેળવી શકાય. જોકે, હેલ્થ ટુરિઝમને નાઉમેદ કરવા EHIC નહિ ધરાવતા મુલાકાતી પાસેથી ૧૫૦ ટકા ખર્ચ વસૂલવામાં આવે છે.
એપ્રિલમાં નવા નિયમો અમલી બન્યા છે ત્યારે યુકેમાં છ મહિનાથી વધુ વસનારા બિન-ઈયુ નાગરિકોએ વિઝાઅરજીના ભાગરૂપે ‘હેલ્થ સરચાર્જ’ ચુકવવો પડ્યો હતો, જેનાથી ૧૦૦ મિલિયન પાઉન્ડની બચત થઈ હતી. સુધારેલી દરખાસ્તોમાં આવા પેશન્ટે બ્લડ ટેસ્ટ્સ, ફેફસાની કામગીરીના પરીક્ષણો, પ્રીસ્ક્રિપ્શન્સ, દાંતની સારવાર અને ફીઝિયોથેરાપીની જીપી સેવા માટે ચાર્જ ચુકવવો પડશે. આ ઉપરાંત, પેરામેડિક્સે આપેલી સેવા, એમ્બ્યુલન્સ ટ્રાન્સપોર્ટ, એક્સ-રે, હાડકાં બેસાડવા, ઘાની સારવાર તેમજ ઈન્ટેન્સિવ કેરના નાણા પણ ચુકવવાના થશે.


