બિલિયોનેર સર જિમ રેટક્લીફે ટેક્સ-ફ્રી મોનેકોને વતન બનાવ્યું

Thursday 08th October 2020 06:43 EDT
 
 

લંડનઃ યુકેના ત્રીજા ક્રમના સૌથી મોટા કરદાતા અને પેટ્રોકેમિકલ મેગ્નેટ સર જિમ રેટક્લીફ સત્તાવાર રીતે હેમ્પશાયર છોડી ટેક્સ-ફી સોવરિન સિટી મોનેકોમાં સ્થાયી થયા છે. બ્રિટન છોડવાથી તેમને ટેક્સમાં અંદાજે ૪ બિલિયન પાઉન્ડનો ફાયદો થશે તેમ મનાય છે.

યુકેમાં વાર્ષિક ૧૫૦,૦૦૦ પાઉન્ડથી વધુની આવક પર સૌથી વધુ ટેક્સદર ૪૫ ટકાનો લાગે છે. સન્ડે ટાઈમ્સ ટેક્સ લિસ્ટ અનુસાર ઈનિઓસ પેટ્રોકેમિકલ કંપનીના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ૬૭ વર્ષીય સર રેટક્લીફે ૨૦૧૭-૧૮માં ૧૧૦ મિલિયન પાઉન્ડનો ટેક્સ ચૂકવ્યો હતો. બીજી તરફ, મોનેકોમાં વર્ષમાં ઓછામાં ઓછાં ૧૮૩ દિવસ રહેનારા લોકોને કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર જાન્યુઆરી ૨૦૧૯માં તેમની સંપત્તિ અંદાજે ૯.૫ બિલિયન પાઉન્ડ હતી જે હાલ ૧૭.૮ બિલિયન પાઉન્ડની છે.

તેઓ ઈનિઓસમાં ૬૦ ટકા શેર ધરાવે છે. ઈનિઓસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ તેમના ડાયરેક્ટર્સ અને કર્મચારીઓની ગત વિગતો બાબતે કોઈ ટીપ્પણી કરતા નથી. તાજેતરમાં તેમણે પોતાના લક્ઝરી હોટેલ ગ્રૂપ્સના સ્ટાફમાંથી આશરે ૮૦૦ કર્મચારીને ફર્લો પર ઉતાર્યા ત્યારે તેમની જોરદારી ટીકા થઈ હતી.

ચૂસ્ત બ્રેક્ઝિટીઅર રેટક્લીફને બિઝનેસ અને ઈન્વેસ્ટમેન્ટ ક્ષેત્રની સેવા બદલ ક્વીન દ્વારા નાઈટહૂડ એનાયત કરાયું છે. તેમણે કંપનીઝ હાઉસ પર પ્રાઈવેટ જેટ કંપની હેમ્પશાયર એવિયેશનના ડાયરેક્ટર તરીકેની વિગતો અપડેટ કરી ત્યારે પોતાના સત્તાવાર નિવાસ તરીકે મોનેકોની નોંધ કરી હતી. ટેક્સ બચાવવા યુકે છોડનારા તેઓ પ્રથમ ધનાઢ્ય નથી. ટોપશોપના બોસ ફિલિપ ગ્રીન અને તેમના પત્ની ટીના, સાઈમન અને ડેવિડ રુબેન, મેટેલોન બોસ જ્હોન હારગ્રીવ્ઝ અને લુઈ હેમિલ્ટન પણ યુકે છોડી ગયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter