લંડનઃ ભારતીય સત્તાવાળાઓએ યુકેના સ્ટાર્ટ અપ બિલ્ડર.એઆઇના સહસ્થાપકો પર મની લોન્ડરિંગમાં સંડોવાયેલા હોવાનો આરોપ મૂક્યો છે. અખબારી અહેવાલ પ્રમાણે ભારતની કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોના આધારે સચિન દેવ દુગ્ગલ મની લોન્ડરિંગની તપાસમાં શંકાસ્પદ આરોપી હોવાનું અને સૌરભ ધૂત લોન ફ્રોડ કેસમાં આરોપી હોવાનું બહાર આવ્યું છે. માઇક્રોસોફ્ટ અને સોફ્ટબેન્કના એઆઇ પર આધારિત ડીપકોર ફંડ લંડન સ્થિત બિલ્ડર.એઆઇમાં રોકાણ કરનારા વિશ્વના કેટલાક સૌથી મોટા રોકાણકારો પૈકીના એક છે.
2016માં એન્જિનિયર.એઆઇ તરીકે સ્થપાયેલી કંપની વેબસાઇટ અને એપ્સ તૈયાર કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા માગે છે. દુગ્ગલ અને ધૂત એક જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા અને ત્યાંથી તેમની મિત્રતાનો પ્રારંભ થયો હતો.
બ્રિટિશ નાગરિક એવા સચિન દેવ દુગ્ગલ બિલ્ડર.એઆઇના ચીફ એક્ઝિક્યુટિવ છે. 2023માં તેમને ઈવાય દ્વારા યુકે એન્ટ્રેપ્રેન્યોર ઓફ ધ યરથી સન્માનિત કરાયા હતા.
2023ના પ્રારંભમાં ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વીડિયોકોન કંપનીના કેસની તપાસમાં મની લોન્ડરિંગ માટે દુગ્ગલને શંકાસ્પદ આરોપી ગણાવ્યા હતા. 2018માં વીડિયોકોન કંપની નાદાર થઇ ગઇ હતી.