લંડનઃ ધ બિશપ ઓફ ગ્રેન્થામ, નિકોલસ ચેમ્બરલેઈને તેઓ સજાતીય સંબંધો ધરાવતા હોવાની ચોંકાવનારી જાહેરાત કરી છે. આવી જાહેરાત કરનારા તેઓ ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના પ્રથમ બિશપ બન્યા છે. બિશપોને તેઓ બ્રહ્મચારી હોય અને લગ્ન કરે નહિ તેવી શરતોએ સમલિંગી સંબંધોની પરવાનગી અપાય છે.
ડો. ચેમ્બરલેઈનની સેક્સ્યુઆલિટીને ચર્ચથી ગુપ્ત રાખવામાં આવી નથી. જોકે, એક અખબારે તેમના સંબંધ જાહેર કરવાની ધમકી આપી ત્યારે તેમણે ખુદ જાહેરમાં આ વાત કહેવા નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું હતું કે,‘આ જાહેરાત કરવી તે મારા માટે અતિ મહત્ત્વની બાબત નથી. હું સજાતીય હોવા વિશે લોકો જાણે જ છે.’
ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના ૧૪ ધર્મોપદેશકોએ આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બીના આદેશની અવગણના કરી તેમના સમલિંગી પાર્ટનર્સ સાથે લગ્ન કર્યા છે. સજાતીય લગ્નોને આશીર્વાદ આપવા માટે સત્તાવાર પ્રાર્થના નથી. જોકે, ચર્ચ પાદરીઓને સજાતીય પાર્ટનર્સ સાથે લગ્ન કરવા અને આવા લગ્ન કરાવવા કરાવવાની મનાઈ કરે છે.


