લંડનઃ બિહારનો એક વિદ્યાર્થી જે એક સમયે આઇઆઇટી પ્રવેશ પરીક્ષાના કોચિંગનો ખર્ચ ઉઠાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, તેને હજારો યુવાનોને શિક્ષણ અને કારકિર્દીની તકો માટે મદદ કરવા બદલ યુકેનો પ્રતિષ્ઠિત ડાયના એવોર્ડ એનાયત કરાયો છે. માત્ર 16 વર્ષની ઉંમરે શૈક્ષણિક પ્લેટફોર્મ સ્કિલ્ઝોની સ્થાપના કરનાર આદર્શ કુમારને સમગ્ર ભારતના વિદ્યાર્થીઓને માર્ગદર્શન, ઉદ્યોગસાહસિકતાની તાલીમ અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન પૂરું પાડવાની કામગીરી બદલ આ સન્માન આપવામાં આવ્યું છે. હાલમાં આદર્શ કુમાર કતાર સ્થિત જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમની આ પહેલે 25,000થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને વ્યાવસાયિક તકો સાથે જોડ્યા છે.
કુમારનો ઉછેર બિહારના ચંપારણમાં થયો હતો જ્યાં તેમની સિંગલ મધર તેમના શિક્ષણનો ખર્ચ ઉઠાવવા માટે ઘરોમાં સફાઈ કામ કરતી હતી. તેણીએ પોતાની બચતમાંથી આદર્શને એક લેપટોપ ખરીદી આપ્યું હતું, જે તેના માટે કોડિંગ અને ઉદ્યોગસાહસિકતા શીખવાનું પ્રવેશદ્વાર બન્યું.
વેલ્સના રાજકુમારી ડાયનાની સ્મૃતિમાં 1999માં સ્થપાયેલ આ એવોર્ડ સામાજિક કાર્યો અને માનવતાવાદી પ્રવૃત્તિઓ દ્વારા નોંધપાત્ર યોગદાન આપનારા યુવાનોને એનાયત કરાય છે.


