લંડનઃ સ્કોટિશ પાર્લામેન્ટે યુકેથી આઝાદ થવા બીજો રેફરન્ડમ યોજવાનું બહુમતીથી સમર્થન કર્યું છે. સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જન સ્કોટિશ જનતાને પોતાનું ભાવિ પસંદ કરવાની આઝાદી જોઈએ તેનો સતત આગ્રહ ધરાવતા રહ્યાં છે. મિનિસ્ટરોએ ૬૪ વિરુદ્ધ ૫૪ મતથી નવો જનમત યોજવાના ઠરાવને બહાલી આપી હતી. આ ઠરાવ હવે સ્કોટિશ પાર્લામેન્ટ દ્વારા નક્કી કરાયેલી તારીખ અને પદ્ધતિએ આવો જનમત યોજવા યુકે સરકારને વાટાઘાટો કરવાની ફરજ પાડી શકે છે. જોકે, વડા પ્રધાન બોરિસ જ્હોન્સને નવો રેફરન્ડમ યોજવા હોલીરુડને સત્તા આપવાની નિકોલા સ્ટર્જનની હાકલોને વારંવાર ફગાવી જ છે.
જોકે, ૩૧ જાન્યુઆરીએ યુકે ઈયુમાંથી સત્તાવારપણે બહાર નીકળી રહ્યું છે અને સ્કોટિશ જનતાએ ૨૦૧૬ના રેફરન્ડમમાં આનો વિરોધ કરી ઈયુમાં રહેવાની તરફેણ કરી હતી. આ સંદર્ભે સ્ટર્જન હવે નવું મતદાન થવું જોઈએ તેનો આગ્રહ કરે છે. તેઓ આ રેફરન્ડમ ૨૦૨૦ના ઉત્તરાર્ધમાં યોજવા ઈચ્છે છે અને તેમાં સંમત થવા યુકે મિનિસ્ટર્સને અનુરોધ પણ કર્યો છે.
ફર્સ્ટ મિનિસ્ટર સ્ટર્જને બ્રેક્ઝિટ અને કન્ઝર્વેટિવ સરકારના સંદર્ભે સ્કોટલેન્ડ માટે આઝાદીનો નિર્ણય આવશ્યક ગણાવ્યો હતો. તેમણે આક્ષેપ લગાવ્યો છે કે યુકેના મિનિસ્ટર્સ સ્કોટલેન્ડના હિતો, જરૂરિયાતો અને અવાજ પ્રત્યે સંપૂર્ણપણે બહેરાં છે. આઝાદી સ્કોટલેન્ડને વૈકલ્પિક ભવિષ્ય આપશે. તેમણે બીજા રેફરન્ડમનો વિરોધ કરવા બદલ ટોરીઝ, લેબર અને લિબરલ ડેમોક્રેટ્સની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે ઈયુનું સભ્યપદ ગુમાવવા સાથે અધિકારો પણ ગુમાવીશું. સ્કોટલેન્ડ યુરોપના હાર્દમાં જ રહે તે વધુ યોગ્ય છે. આ માટે સ્વતંત્ર રાષ્ટ્ર બનવું જોઈશે.


