બીજા વિશ્વયુદ્ધમાં લોકપ્રિય બનેલા ખાદ્યપદાર્થોની લોકોની ડિશમાં ઘરવાપસી

ઓલિવ ઓઇલના સ્થાને વેજિટેબલ ઓઇલનો ઉપયોગ, લોકો છૂટક શાકભાજી અને ફળ ખરીદી રહ્યાં છે

Wednesday 02nd November 2022 05:30 EDT
 
 

લંડન

કાળઝાળ બની રહેલી મોંઘવારીના કારણે બ્રિટનમાં લોકો હવે સસ્તા ખોરાક તરફ વળી રહ્યાં છે. બીજા વિશ્વયુદ્ધમાં સૌથી વધુ ખપત થતી હતી તેવા ખાદ્યપદાર્થો અત્યારે બ્રિટનવાસીઓને અસ્તિત્વ ટકાવી રાખવામાં મદદ કરી રહ્યાં છે. એક સરવે પ્રમાણે ડૂક્કરના સસ્તા માંસના વેચાણમાં 34 ટકાનો વધારો નોંધાયો છે. તેવી જ રીતે માછલીના માથાની માગમાં પણ વધારો થયો છે. બ્રિટન વાસીઓએ હવે ઓલિવ ઓઇલ ખાવાનું બંધ કરીને અન્ય વેજિટેબલ ઓઇલ ખાવાનું શરૂ કરી દીધું છે. રસોડામાંથી આર્ટિસન લોવ્ઝ ગાયબ થઇ રહ્યાં છે અને તેનું સ્થાન વ્હાઇટ બ્રેડે લઇ લીધું છે.

વેઇટરોઝના એક રિપોર્ટ અનુસાર માછલીના માથાના વેચાણમાં 34 ટકાનો વધારો નોંધાયો છે. પેક કરાયેલી પિલકાર્ડ્સનું વેચાણ બમણું થયું છે. ઘણા બ્રિટનવાસીઓ હવે સસ્તા માંસ તરફ વળી રહ્યાં છે. બીફશિનના વેચાણમાં 23 ટકા, ઓક્સચિકના વેચાણમાં 9 ટકા અને લેમ્બનેકના વેચાણમાં 4 ટકાનો વધારો થયો છે. સામાન્ય સંજોગોમાં બ્રિટનવાસીઓ આ પ્રકારનો સસ્તો ખોરાક ખાવાનું પસંદ કરતા નથી.

ઘણા બ્રિટનવાસીઓએ જરૂરીયાત પૂરતો સામાન ખરીદવાનું જ શરૂ કર્યું છે. પેકિંગમાં આવતા શાકભાજી અને ફળોને સ્થાને હવે તેઓ છૂટક શાકભાજી અને ફળો ખરીદી રહ્યાં છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લોકપ્રિય બનેલા સ્પામફ્રીટર્સની ફરી બોલબાલા વધી ગઇ છે. લોકોએ ચીકન બ્રેસ્ટને સ્થાને સસ્તી ચીકન થાઇઝ ખાવાનું શરૂ કર્યું છે. યલો સ્ટિકર લગાવેલા ખાદ્યપદાર્થોનું વેચાણ વધી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter