ગ્લાસગોઃ સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર અને સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP)ના નેતા નિકોલા સ્ટર્જને પાર્ટીની કોન્ફરન્સમાં ટુંક સમયમાં નવા સ્કોટિશ ઈન્ડિપેન્ડન્સ બિલને પ્રસિદ્ધ કરવાની જાહેરાત સાથે સ્પષ્ટ કર્યું છે કે તેમના સાંસદો થેરેસા મેના બ્રેક્ઝિટ કાયદાઓનો વિરોધ કરશે. SNP દ્વારા સ્કોટલેન્ડની આઝાદીના બીજા પોલ માટેના નિયમો જાહેર કરાશે. સ્ટર્જને હાઉસ ઓફ કોમન્સમાં બ્રેક્ઝિટવિરોધી સાંસદોનું ગઠબંધન બનાવવાની પણ ખાતરી આપી છે. સરકાર ઈયુ કાયદાને નાબૂદ કરી તેના સ્થાને યુકે કાયદાઓ સ્થાપિત કરવા બ્રેક્ઝિટ બિલ લાવવા માગે છે, જેને સ્ટર્જને ‘હાર્ડ બ્રેક્જિટ’ તરફનું કદમ ગણાવ્યું છે.
આ કોન્ફરન્સમાં ડેપ્યુટી લીડર તરીકે ચૂંટાઈ આવેલા એન્ગસ રોબર્ટસને સ્કોટિશ આઝાદી તદ્દન નજીક હોવાનું જણાવ્યું હતું. સ્કોટિશ લેબર લીડર કેઝીઆ ડગડેલે જણાવ્યું હતું કે સ્કોટિશ લેબર પાર્ટી પાર્લામેન્ટ સમક્ષ મૂકાનારા કોઈ પણ આઝાદી રેફરન્ડમ બિલનો વિરોધ કરશે.
ફર્સ્ટ મિનિસ્ટરે ‘દેશના હિતોનું રક્ષણ કરવા’ માર્ચ ૨૦૧૯ના અંત પહેલા બ્રેક્ઝિટ અમલી થાય તે પહેલા સ્કોટલેન્ડનો બીજો આઝાદી જનમત લેવાની પણ ધમકી આપી હતી. સ્કોટિશ આઝાદી માટેના નવા નિયમો પરામર્શ માટે આગામી સપ્તાહે જાહેર કરવામાં આવનાર છે. અગાઉ ૨૦૧૪માં લેવાયેલા આઝાદી જનમતમાં યુકે સાથે રહેવાના અભિયાનને ૧૦ પોઈન્ટની સરસાઈ મળી હતી. આ પછી સ્કોટલેન્ડમાં આઝાદી મુદ્દે ભિન્ન મત પ્રવર્તે છે.
સ્ટર્જને ચેતવણી આપી છે કે સ્કોટલેન્ડ અને યુકેને સિંગલ માર્કેટની બહાર લઈ જવા માટે જનાદેશ અપાયો નથી. સિંગલ માર્કેટથી અળગા થવું યુકેની ઈકોનોમી માટે જોખમી હોવાનું પણ તેમણે કહ્યું હતું. ફ્રી માર્કેટ સુવિધાના બદલે ઈમિગ્રેશન કન્ટ્રોલ પર ધ્યાન કેન્દ્રિત કરવા બદલ વડા પ્રધાન મે અને ટોરી પાર્ટી સામે આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે,‘ સ્કોટલેન્ડને સારા ભવિષ્યની પસંદગી કરવાની તક ઝૂંટવવાનો કોઈને અધિકાર નથી.’
સ્ટર્જને કહ્યું હતું કે સિંગલ માર્કેટમાં સ્કોટલેન્ડનું સ્થાન જાળવવા SNP સ્કોટિશ પાર્લામેન્ટ માટે નવી સત્તા મેળવવા લોબિઈંગ કરશે. આંતરાષ્ટ્રીય વેપારસોદાઓ કરવા અને ઈમિગ્રેશન મુદ્દે વિશાળ સત્તા હાંસલ કરવા તેમને આ સત્તાઓ જોઈશે.


