બીન-ઈયુ ડોક્ટર્સને યુકેમાં કામ કરવા માટે પરવાનગી અપાશે

Monday 03rd December 2018 06:38 EST
 
 

લંડનઃ ઈંગ્લેન્ડની NHSમાં ડોક્ટર્સની ભારે અછતને જોતાં વધુ વિદેશી ડોક્ટર્સ બ્રિટન આવી શકે તે માટે સરકાર ઈમિગ્રેશન નિયમો હળવાં બનાવવાં તૈયાર થયાંના અહેવાલ છે. તાજા આંકડા અનુસાર NHSમાં ૯,૩૩૭ ડોક્ટરની ઘટ છે. સરકારની મેડિકલ ટ્રેનિંગ ઈનિશિયેટિવ (MTI) હેઠળ દર વર્ષે ૧,૫૦૦ ડોક્ટર બ્રિટનમાં આવી કામ કરે તે માટે મિનિસ્ટર્સ સહમત થયા છે. આના પરિણામે, બીન-ઈયુ ડોક્ટર્સની બ્રિટન આવવાની મહત્તમ સંખ્યા વધીને ૩,૦૦૦ જેટલી થશે. આ યોજના હેઠળ ઈયુ બહારના યુવાન ડોક્ટરોને બ્રિટનમાં રહેવાનો સમય બે વર્ષથી વધારી ત્રણ વર્ષ કરાશે તેમ પણ જાણવા મળે છે.

બ્રેક્ઝિટ પછી નવી ઈમિગ્રેશન સિસ્ટમ કેવી રહેશે તેનો ખુલાસો કરવાના દબાણ હેઠળ આવવાથી સરકાર દ્વારા આ ફેરફાર કરાયો છે. મિનિસ્ટર્સ પણ માને છે કે સમગ્ર NHSમાં અને ખાસ કરીને હોસ્પિટલોમાં ડોક્ટર્સની ભારે તંગી હોવાથી MTI હેઠળ બ્રિટન આવી શકે તે સંખ્યા વધારવી પડે તેમ છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે આ મુદ્દો હોમ ઓફિસ સમક્ષ ઉઠાવ્યો છે. તેમણે ઈમિગ્રેશન મિનિસ્ટર કેરોલિન નોક્સને પણ આ મુદ્દે પત્ર લખી સૂચનો કર્યા હતા.

ડિસેમ્બરની મધ્યમાં NHSની લાંબા ગાળાની યોજનામાં આ પગલું જાહેર થવાની શક્યતા છે. NHS માટે સ્ટાફનો મુદ્દો માથાનો દુઃખાવો બની રહ્યો છે, જેની અસર ગુણવત્તા પર પણ પડે છે. MTI માં સંખ્યા વધારવાથી ખાસ તકલીફ નહિ પડે કારણકે આ રીતે બ્રિટન આવતા ડોક્ટર્સ કુલ ઈમિગ્રેશન સંખ્યામાં ઉમેરાતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter