વોશિંગ્ટનઃ અમેરિકી પ્રમુખ ટ્રમ્પના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ્ટે જણાવ્યું હતું કે, બીબીસી 100 ટકા ફેક ન્યૂઝ અને પ્રોપેગેન્ડા મશીન છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારી પત્રકારો ઉઘાડા પડી ગયાં છે. આ એ અપ્રમાણિક લોકો છે જેમણે પ્રમુખપદની ચૂંટણીમાંથી લાભ ખાટવાનો પ્રયાસ કર્યો છે. મારી સ્પીચ સાથે ચેડાં કરનારા લોકો હવે બીબીસી છોડી રહ્યાં છે અથવા તો તેમની હકાલપટ્ટી કરવામાં આવી રહી છે.
સ્પીચ એડિટ કરવાના મામલામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીબીસી સામે કાયદાકીય પગલાં લેવાની ધમકી ઉચ્ચારી છે. ટ્રમ્પની લીગલ ટીમે બીબીસીને ચેતવણી આપી છે કે તે 14 નવેમ્બર સુધીમાં દસ્તાવેજી ફિલ્મનું સંપુર્ણ અને ન્યાયી નવીનીકરણ કરે અથવા તો 1 બિલિયન ડોલર (760 મિલિયન પાઉન્ડ)ના બદનક્ષીના દાવાનો સામનો કરે. ટ્રમ્પ દ્વારા પાઠવવામાં આવેલા પત્રમાં બીબીસીને જણાવવામાં આવ્યું છે કે બીબીસી માફી માગે અને પ્રેસિડેન્ટને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. ટ્રમ્પના એર્ટની આલેહાન્ડ્રો બ્રિટોએ બીબીસી પર ફ્લોરિડા લૉ અંતર્ગત બદનક્ષીનો આરોપ મૂક્યો છે.

