લંડનઃ બીબીસીના અધ્યક્ષ સમીર શાહે ટ્રમ્પ પરની દસ્તાવેજી ફિલ્મમાં ખામી હોવાનો સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, ટ્રમ્પની સ્પીચ એડિટ કરવાના કારણે એવો સંદેશ ગયો હતો કે તેમણે લોકોની રમખાણો માટે સીધી ઉશ્કેરણી કરી હતી. બીબીસી આ માટે માફી માગે છે. કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ્સ કમિટીના પત્રનો જવાબ આપતાં શાહે જણાવ્યું હતું કે, બીબીસીના ઇન્ટરનલ મેમોમાં બીબીસીએ કેટલીક બાબતો દફનાવી દેવાનો પ્રયાસ કર્યો હતો તેને ઉજાગર કરવામાં આવી તે વાત સાચી નથી. એ કહેવું પણ યોગ્ય નથી કે બીબીસીએ મેમોમાં વ્યક્ત કરાયેલી ચિંતાઓ માટે કોઇ કાર્યવાહી કરી નથી.
સમીર શાહે જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પને દર્શાવતી દસ્તાવેજી ફિલ્મમાં કરાયેલા એડિટિંગ અંગે વ્યક્ત કરાયેલી ચિંતાઓ પર બીબીસીએ ઝડપથી પગલાં લેવાની જરૂર હતી. પાર્લામેન્ટરી કમિટીને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, મેમો પબ્લિશ થયા પછી બીબીસીને 500 કરતાં પણ વધુ ફરિયાદ મળી હતી. અમેરિકાના ઇલેક્શન કવરેજ અંગે બીબીસીની એડિટોરિયલ ગાઇડલાઇન અને સ્ટાન્ડર્ડ કમિટી ગ્વારા જાન્યુઆરી અને મે મહિનામાં ચર્ચા કરાઇ હતી. ટ્રમ્પની સ્પીચનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે ક્લીપ એડિટ કરાઇ હતી.


