બીબીસી બ્રિટિશ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ધિક્કાર ફેલાવવાના પ્રયાસ ન કરે – લોર્ડ ડોલર પોપટ

નરેન્દ્ર મોદીને ભારતના ન્યાયતંત્ર અને સંસદ દ્વારા પણ ક્લીનચિટ આપી દેવાઇ છે – લોર્ડ પોપટ

Wednesday 25th January 2023 05:52 EST
 
 

લંડન

લોર્ડ ડોલર પોપટે બીબીસીના ડિરેક્ટર જનરલ ટીમ ડેવીને પત્ર લખીને બીબીસી દ્વારા જારી કરાયેલી દસ્તાવેજી ફિલ્મ સામેઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. લોર્ડ પોપટે જણાવ્યું હતું કે, બ્રિટનની જનતાને શિક્ષિત કરવામાં બીબીસી મહત્વની ભુમિકા ભજવે છે પરંતુ ગુજરાતના રમખાણોના મામલામાં જે રીતે બીબીસીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પક્ષપાતી રીતે દોષી ઠેરવવાનો પ્રયાસ કર્યો છે તેનાથી મને ઘણો આઘાત લાગ્યો છે. નરેન્દ્ર મોદીને ભારતના ન્યાયતંત્ર અને સંસદ દ્વારા પણ ક્લીનચિટ આપી દેવાઇ છે અને તેના કારણે જ તેઓ ભારતના સૌથી વિશ્વાસપાત્ર નેતા તરીકે ચૂંટાઇ શક્યા છે.

લોર્ડ પોપટે જણાવ્યું હતું કે, બ્રિટન એક સહિષ્ણુ દેશ છે અને અહીં ધાર્મિક સ્વતંત્રતા અત્યંત મહત્વ ધરાવે છે. ભારતની સ્થિતિની સાચી રજૂઆત નહીં કરીને બ્રિટનમાં ધાર્મિક ધિક્કાર ફેલાવવાના પ્રયાસોને હું વખોડું છું. ભારત એક અસહિષ્ણુ દેશ છે અને ત્યાં મુસ્લિમોની સતાવણી કરવામાં આવી રહી છે તેવું ચિત્ર રજૂ કરીને બ્રિટિશ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ધિક્કાર ફેલાવીને આ ખોટી રજૂઆત દ્વારા જૂના ઘા તાજા કરવામાં આવી રહ્યાં છે. જો તેમ જ હોત તો મુસ્લિમો ભારત છોડીને ચાલ્યા ગયા હોત. ભારતમાં મુસ્લિમોની વસતી પાકિસ્તાનમાં વસતા મુસ્લિમો કરતા પણ વધુ છે. ભારતના વિકાસને જોઇને બાંગ્લાદેશના મુસ્લિમો પણ ભારત જઇ રહ્યા છે.

લોર્ડ ડોલર પોપટે જણાવ્યું હતું કે, ભારતે આઝાદ થયો ત્યારથી વૈવિધ્યતાના મામલામાં ઘણી પ્રગતિ કરી છે. ભારતમાં કાયદો કોઇપણ ધર્મ, જાતિ કે જેન્ડરના મતભેદ વિના તમામને સુરક્ષા આપે છે. ભારત ન કેવળ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે પરંતુ ભારતમાં જેટલી સ્વતંત્રતા છે તેટલી તેના પાડોશી દેશોમાં પણ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter