લંડનઃ ભારતમાં પ્રેસની સ્વતંત્રતાનો અભાવ પ્રવર્તી રહ્યો છે તેવા બીબીસીના આરોપનો જવાબ આપતા ભારતના હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, બીબીસી ભારત વિરોધી એજન્ડા ધરાવતા લોકોના હાથમાં રમી રહી છે. પુરીએ જણાવ્યું હતું કે, અમારા કાયદા ઘણા પારદશર્ક છે. જો કોઇ ટેક્સ ચૂકવતું નથી અને અમે તેને નોટિસ પાઠવીએ છીએ તો તે કહે છે કે આ મામલો પ્રેસની સ્વતંત્રતાનો છે. હું આ મામલામાં વધુ ઊંડો ઉતરવા માગતો નથી પરંતુ ભૂતકાળમાં બીબીસીના કેટલાંક કૃત્યો દર્શાવે છે કે તે ભારત વિરોધી એજન્ડા ધરાવતા લોકોના હાથમાં રમી રહી છે.
થોડા મહિના પહેલાં જ ભારતના આવકવેરા વિભાગ દ્વારા બીબીસીની નવી દિલ્હી અને મુંબઇ સ્થિત કચેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. બીબીસી પર આવકના પ્રમાણમાં ટેક્સ નહીં ચૂકવવાના આરોપ મૂકાયા હતા. ભારત સરકારના સીબીડીટી વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર બીબીસીએ સ્વીકાર્યું છે કે તેણે ભારતમાં તેની જવાબદારી કરતાં ઓછો ટેક્સ ચૂકવ્યો છે. . બીબીસીએ સ્વીકાર્યું છે કે તેણે રૂપિયા 40 કરોડની આવક જાહેર કરી નથી. જોકે હજુ બીબીસીએ આવકવેરા વિભાગમાં રિવાઇઝ્ડ રિટર્ન ભર્યું નથી કે કોઇ લેખિત જવાબ રજૂ કર્યો નથી. સીબીડીટીના બે અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે આ માહિતી આપી હતી
બીબીસી દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની વિવાદાસ્પદ દસ્તાવેજી ફિલ્મ પ્રસારિત કરાયા બાદ તેની કચેરીઓ પર દરોડાની કાર્યવાહી કરાઇ હતી. આ મામલામાં બીબીસીની લંડન સ્થિત કચેરીએ કોઇ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.


