બીબીસીએ એફડીઆઇ નિયમોનું ઉલ્લંઘન કર્યાની કબૂલાત કરી - ભારતના મંત્રીનો દાવો

બીબીસીએ લેખિતમાં કબૂલાત કરી છે કે તેમણે ખોટું કર્યું છે – અનુરાગ ઠાકુર

Tuesday 02nd May 2023 12:53 EDT
 
 

લંડન

ભારતના કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા પાઠવાયેલી નોટિસના જવાબમાં બીબીસીએ કબૂલાત કરી છે કે તેણે ભારતમં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

એક ન્યૂઝ ચેનલના સમારોહમાં બોલતાં અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, કાયદાના કથિત ઉલ્લંઘન માટે છેલ્લા 3 વર્ષથી ભારતનું નાણામંત્રાલય બ્રિટિશ બ્રોડકાસ્ટર પાસેથી વિગતો માગી રહ્યું છે. બીબીસીએ લેખિતમાં કબૂલાત કરી છે કે તેમણે ખોટું કર્યું છે. આ મામલામાં વધુ તપાસ હાથ ધરાશે.

એપ્રિલન પ્રારંભમાં ઇડીએ બીબીસી ઇન્ડિયા સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કેસ નોંધ્યો હતો. ઇડી તેની તપાસમાં બીબીસી ઇન્ડિયા દ્વારા એફડીઆઇ નિયમોના કથિત ઉલ્લંઘન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. બીબીસી ઇન્ડિયાને તેના ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ્સ રજૂ કરવાનો આદેશ અપાયો છે.

ભારતના આવકવેરા વિભાગ દ્વારા બીબીસીની મુંબઇ અને દિલ્હી ખાતેની કચેરીઓમાં સર્ચ ઓપરેશન કરાયાના બે મહિના બાદ ઇડી દ્વારા બીબીસી સામે કેસ નોંધાયો હતો. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, બીબીસી જે રીતે ભારતમાં કામ કરે છે તેના પ્રમાણમં તેની દર્શાવેલી આવક મેળ ખાતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter