લંડન
બીબીસીની ગુજરાત રમખાણો પરની દસ્તાવેજી ફિલ્મ પર વિવાદ સર્જાયા બાદ ભારતમાં આવકવેરા વિભાગ દ્વારા દિલ્હી અને મુંબઇ સ્થિત બીબીસીની કચેરીઓ પર સર્વે હાથ ધરાયો હતો. 58 કલાક લાંબી તપાસ કાર્યવાહી બાદ આવકવેરા વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતમાં બીબીસી દ્વારા થતી આવક અથવા તો તેનો નફો દેશમાં તેના ઓપરેશનોની સાથે મેળ ખાતો નથી. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, અંગ્રેજી ઉપરાંતની ભારતની અન્ય ભાષાઓમાં જે રીતે બીબીસીના અહેવાલોનો ઉપયોગ થાય છે તેની સરખામણીમાં તેના દ્વારા દર્શાવાતી આવક અને નફો મેળ ખાતો નથી.
આવકવેરા વિભાગે આરોપ મૂક્યો છે કે સર્વેમાં અમને એવા પુરાવા પ્રાપ્ત થયાં છે કે બીબીસીએ ચોક્કસ પ્રકારની આવકો પર ટેક્સની ચૂકવણી કરી નથી. બીબીસીની વિવિધ શાખાઓ દ્વારા ભારતમાં થયેલી કેટલીક આવકો છૂપાવવામાં આવી છે. 58 કલાકના સર્વે દરમિયાન બીબીસીના કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. બીબીસી દ્વારા હાયર કરાયેલા કર્મચારીઓની સેવાઓનો ઉપયોગ બીબીસીની વિદેશોમાં આવેલી કચેરીઓ માટે પણ કરાયો હતો અને તેના દ્વારા થતી આવક પર ભારતમાં ટેક્સ ચૂકવવાનો રહે છે. પરંતુ બીબીસીએ આ પ્રકારની આવક પર ટેક્સની ચૂકવણી કરી નથી.
આવકવેરા વિભાગ દ્વારા આરોપ મૂકાયો છે કે સર્વેમાં ટ્રાન્સફર પ્રાઇઝિંગ ડોક્યુમેન્ટેશનમાં પણ કેટલીક ગેરરિતીઓ સામે આવી છે. સર્વેની કામગીરી દરમિયાન અધિકારીઓએ કેટલાક કર્મચારીઓના લેપટોપ અને મોબાઇલ ફોનની ચપાસ કરી હતી. બીબીસીએ તેના કર્મચારીઓને સર્વે અંગે કોઇપણ પ્રકારના નિવેદન નહીં આપવાની તાકિદ કરી હતી.


