લંડનઃ કથિત ટેક્સ ઉલ્લંઘન માટે ભારતના આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહીના એક વર્ષ કરતાં ઓછા સમયમાં બીબીસીએ ભારત ખાતેનો તેનો ન્યૂઝ રૂમ બંધ કરી દીધો છે અને તેનું પબ્લિશિંગ લાયસન્સ તેના જ ભારતીય કર્મચારીઓ દ્વારા સ્થપાયેલી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને સોંપી દીધું છે. બીબીસી દ્વારા વિશ્વમાં પહેલીવાર આ પ્રકારનું પગલું લેવાયું છે.
આગામી સપ્તાહથી શરૂ થઇ રહેલી નવી વ્યવસ્થા અંતર્ગત ભારતમાં હવે બીબીસીની કામગીરી તેના જ 4 પૂર્વ કર્મચારીઓ દ્વારા સ્થપાયેલી પ્રાઇવેટ લિમિટેડ કંપની કલેક્ટિવ ન્યૂઝરૂમ સંભાળશે. કંપનીની ભારત ખાતેની કચેરીઓ બીબીસી ડિજિટલ સર્વિસ માટે હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, તામિલ અને તેલુગુ એમ સાત ભાષામાં સમાચાર સામગ્રી તૈયાર કરશે. એમ માનવામાં આવી રહ્યું છે કે બીબીસીએ આ કંપનીમાં 26 ટકા હિસ્સો ખરીદવા ભારત સરકારમાં અરજી કરી છે.
કલેક્ટિવ ન્યૂઝરૂમના ચીફ એક્ઝિક્યુટિવ રૂપા ઝાએ એક અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે, અન્ય કંપનીને તેનું લાયસન્સ આપી દેવાનું બીબીસીનું પગલું અણધાર્યું છે. અમે અમારા પત્રકારત્વમાં કોઇ બાંધછોડ કરીશું નહીં. બીબીસી અમારી પડખે ઊભી છે. રૂપા ઝા બીબીસી ઇન્ડિયામાં સીનિયર ન્યૂઝ એડિટર હતા અને કલેક્ટિવ ન્યૂઝરૂમ કંપનીના સહસ્થાપક છે.
ભારતમાં વર્ષ 2020માં નવા એફડીઆઇ નિયમો લાગુ થયા બાદ બીબીસીને આ પગલું લેવાની ફરજ પડી છે. ભારત સરકારે ડિજિટલ મીડિયા સેક્ટરમાં એફડીઆઇ લિમિટ 26 ટકા કરી નાખી હતી. અગાઉ ભારતમાં બીબીસી પોતે એડિટોરિયલ ઓપરેશનો સંભાળતી હતી અને 99 ટકા માલિકી યુકે સ્થિત બીબીસીની હતી. બીબીસી મે 1940થી ભારતમાં કાર્યરત હતી.


