લંડનઃ ભારત સરકારના કેટલાંક સૂત્રના જણાવ્યા અનુસાર બીબીસીએ સ્વીકાર્યું છે કે તેણે ભારતમાં તેની જવાબદારી કરતાં ઓછો ટેક્સ ચૂકવ્યો છે. થોડા મહિના પહેલાં જ ભારતના આવકવેરા વિભાગ દ્વારા બીબીસીની નવી દિલ્હી અને મુંબઇ સ્થિત કચેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે હજુ બીબીસીએ આવકવેરા વિભાગમાં રિવાઇઝ્ડ રિટર્ન ભર્યું નથી કે કોઇ લેખિત જવાબ રજૂ કર્યો નથી. સીબીડીટીના બે અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે આ માહિતી આપી હતી. બીબીસીએ સ્વીકાર્યું છે કે તેણે રૂપિયા 40 કરોડની આવક જાહેર કરી નથી.
આવકવેરા વિભાગને મોકલેલા ઇ-મેલ સંદેશામાં બીબીસીએ કબૂલાત કરી છે કે તેણે કરપાત્ર આવક ઓછી જાહેર કરી હતી. સીબીડીટીના અધિકારીએ જણાવ્યું હતું કે, બીબીસીએ રૂપિયા 40 કરોડની આવકની જાહેરાત કરી નથી. જે કરચોરી છે અને તેના માટે રિકવરી અને દંડ એમ બંને પ્રકારની સજાની જોગવાઇ છે. બીબીસીએ રિવાઇઝ્ડ રિટર્ન્સ રજૂ કરીને, તમામ બાકી કરવેરો, પેનલ્ટી અને વ્યાજ સહિતની તમામ રકમ ચૂકવી દેવી જોઇએ. આ ઇમેલ સંદેશો કોઇ કાયદાકીય મહત્વ ધરાવતો નથી પરંતુ બીબીસી આ મામલાને ગંભીરતાથી લે છે તો તેણે રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરવા જોઇએ.
અધિકારીએ જણાવ્યું હતું કે, હજુ સુધી બીબીસી દ્વારા સ્ટેટમેન્ટ ઓફ ઇન્ટેન્ટ જ રજૂ કરાયું છે. તેના દ્વારા ટેક્સની કોઇ ચૂકવણી કરાઇ નથી. બીબીસી દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની વિવાદાસ્પદ દસ્તાવેજી ફિલ્મ પ્રસારિત કરાયા બાદ તેની કચેરીઓ પર દરોડાની કાર્યવાહી કરાઇ હતી. આ મામલામાં બીબીસીની લંડન સ્થિત કચેરીએ કોઇ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.


