લંડન: બ્રિટિશ સ્પોર્ટ્સ ટેલિવિઝનના ઇતિહાસમાં દાયકાઓનો સૌથી મોટો ફેરફાર જોવા મળ્યો છે. વર્ષ 1954 પછી પ્રથમ વખત બીબીસી કોમનવેલ્થ ગેમ્સનું પ્રસારણ નહીં કરે. તેના સ્થાને, ચેનલ ફાઇવે ટીએનટી સ્પોર્ટ્સ સાથેના સબલાઇસન્સિંગ કરાર હેઠળ ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સના દૈનિક હાઈલાઈટ્સ દર્શાવવાના હકો સુરક્ષિત કરી લીધા છે.
આ નિર્ણય સાથે જ કોમનવેલ્થ સ્પર્ધા સાથેના બીબીસીના સળંગ 72 વર્ષ જૂના સંબંધનો સત્તાવાર રીતે અંત આવ્યો છે. આ આશ્ચર્યજનક નિર્ણય પાછળ બીબીસીની ગંભીર નાણાકીય કટોકટી અને રમતગમત પ્રસારણ અંગેની તેની નવી વ્યુહરચના જવાબદાર છે. આર્થિક દબાણ હેઠળ સ્પોર્ટ્સ બજેટમાં મોટો કાપ મુકાય તેવી સંભાવના છે, જેના કારણે કોર્પોરેશનને કઈ રમતો પાછળ ખર્ચ કરવો તે અંગે પુનઃવિચારણા કરવાની ફરજ પડી છે.


