લંડનઃ બ્રિટિશ સરકારે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)ના કામકાજની પદ્ધતિમાં ફેરફાર લાવવાની જાહેરાત કરી છે. જોકે, બીબીસી માટે નાણા એકત્ર કરવાની લાઈસન્સ ફીની વ્યવસ્થાને વધુ ૧૧ વર્ષ સુધી ચાલુ રખાશે. દર્શકોએ બીબીસી આઈપ્લેયરનો ઇપયોગ કરવા માટે નાણા ચુકવવા પડશે.
કલ્ચરલ મિનિસ્ટર જ્હોન વિટિંગ્ડેલે હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે બીબીસીએ ‘વિશિષ્ટ સામગ્રી’ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે બીબીસી વિભાગનું સંચાલન કરતા ટ્રસ્ટને વિખેરી કઢાશે, જેનું સ્થાન એક બોર્ડ લેશે. આ બોર્ડના મોટા ભાગના સભ્યોની નિયુક્તિ બીબીસી દ્વારા જ કરાશે, જેમાં સરકાર હસ્તક્ષેપ નહિ કરે.
બીબીસીનું વર્તમાન રોયલ ચાર્ટર ૨૦૧૬ના ડિસેમ્બરમાં સમાપ્ત થાય છે. બીબીસીની સ્થાપના આ ચાર્ટર અંતર્ગત કરાઈ છે, જેમાં સંપાદકીય સ્વાતંત્ર્ય અને સામાજિક જવાબદારીઓની વ્યાપક જાણકારી અપાઈ છે. દર ૧૦ વર્ષે આ ચાર્ટર રીન્યુ કરવામાં આવે છે. મિનિસ્ટરે કહ્યું હતું કે, બીબીસી વર્લ્ડ સર્વિસ માટે ભંડોળ એકત્ર કરવાની વર્તમાન વ્યવસ્થાને વધુ સારી બનાવાશે. આ ભંડોળમાં ૨૦૨૦ સુધીમાં વધારાના ૨૮૯ મિલિયન પાઉન્ડ ફાળવાશે. આ ઉપરાંત, બીબીસીએ તેના વાર્ષિક ૪૫૦,૦૦૦ પાઉન્ડથી વધુ આવક મેળવતા કર્મચારીના વેતનની જાણકારી પણ આપવાની રહેશે. આ શ્વેતપત્ર પર સંસદમાં ચર્ચા પછી આગામી ૧૧ વર્ષ માટે નવા ચાર્ટરનો મુસદ્દો તૈયાર થશે.

