લંડનઃ બ્રોડકાસ્ટિંગ રેગ્યુલેશન સાથે સંકળાયેલા અને રાજકીય રીતે તટસ્થ મનાતા પ્રોફેસર ડેમ એલન ક્લોસ સ્ટીફન્સ બીબીસીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરાઇ છે. પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સન માટે સિક્રેટ લોનની વ્યવસ્થા કરવામાં હિતોના ટકરાવના મુદ્દે કન્ઝર્વેટિવ પાર્ટીના દાતા રિચર્ડ શાર્પને બીબીસીના અધ્યક્ષપદેથી રાજીનામુ આપવાની ફરજ પડી હતી.
ડિપાર્ટમેન્ટ ફોર કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટે જણાવ્યું હતું કે, પ્રોફેસર સ્ટીફન્સ 27 જૂનથી 12 મહિના માટે અથવા તો નવા કાયમી અધ્યક્ષની નિયુક્તિ ન થાય ત્યાં સુધી બીબીસી બોર્ડના અધ્યક્ષ રહેશે. કલ્ચર સેક્રેટરી લ્યૂસી ફ્રેઝરે જણાવ્યું હતું કે, બીબીસી બોર્ડના નેતૃત્વ માટે પ્રોફેસર સ્ટીફન્સ સર્વસંમત સમર્થન ધરાવે છે. તેઓ બીબીસીના નેતૃત્વને સ્થિરતા પ્રદાન કરશે.
ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, બીબીસીના અધ્યક્ષે છેલ્લા પાંચ વર્ષમાં કોઇ રાજકીય પ્રવૃત્તિ ન કરી હોવી જોઇએ. જો કરી હોય તો તેની જાહેરાત કરવાની રહે છે. આ કાર્ય માટે સ્ટીફન્સને પ્રતિ વર્ષ 1,60,000 પાઉન્ડ ચૂકવાશે. સ્ટીફન્સે હજુ સુધી આવી કોઇ રાજકીય પ્રવૃત્તિની જાહેરાત કરી નથી.


