બીબીસીના ડિરેક્ટર જનરલ ટીમ ડેવી અને સીઇઓ દેબોરાહ ટર્નેસના રાજીનામાં

વિવાદ માટે ડેવી અને ટર્નેસે સંપુર્ણ જવાબદારી લીધી, ટ્રમ્પે કહ્યું ભ્રષ્ટાચારી પત્રકારો ઉઘાડાં પડ્યાં

Tuesday 11th November 2025 09:39 EST
 
 

લંડનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વર્ષ 2021માં અપાયેલી સ્પીચમાં એડિટિંગ કરીને દસ્તાવેજી ફિલ્મમાં ઉપયોગમાં લેવાના મુદ્દે સર્જાયેલા વિવાદને પગલે બીબીસીના ડિરેક્ટર જનરલ ટીમ ડેવીએ રવિવારે રાત્રે રાજીનામુ આપી દીધું હતું. ડેવીની સાથે બીબીસી ન્યૂઝના ચીફ એક્ઝિક્યુટિવ દેબોરાહ ટર્નેસે પણ રાજીનામુ આપ્યું હતું.

બીબીસીએ જણાવ્યું હતું કે, તેના પેનોરામા પ્રોગ્રામ દ્વારા પ્રસારિત ડોક્યુમેન્ટરી સીરિઝના એક એપિસોડમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પની એડિટેડ સ્પીચનો ઉપયોગ કરાતાં દર્શકો ગેરમાર્ગે દોરાયાં હતાં.

ડેવીના કાર્યકાળ દરમિયાન ઘણા વિવાદો સર્જાતાં તેઓ દબાણનો સામનો કરી રહ્યાં હતાં. તેમના પર મૂકાયેલા પક્ષપાતના આરોપોના કારણે બીબીસીની પ્રતિષ્ઠા પણ ખરડાઇ હતી.

ધ ટેલિગ્રાફ દ્વારા બીબીસીનો ઇન્ટરનલ મેમો પ્રસિદ્ધ કરાયા બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. મેમોમાં જણાવવામાં આવ્યું હતું કે, અમેરિકી પ્રમુખની સ્પીચને બે ભાગમાં એવી રીતે એડિટ કરવામાં આવી હતી કે એમ લાગે કે જાન્યુઆરી 2021માં વોશિંગ્ટનમાં થયેલા કેપિટોલ રાયોટ્સને ટ્રમ્પે ભડકાવ્યાં હતાં.

સમગ્ર મામલાની જવાબદારી લેતાં ટીમ ડેવીએ જણાવ્યું હતું કે, હું સંપુર્ણપણે એકલો જવાબદાર નથી પરંતુ બીબીસી ન્યૂઝ અંગે હાલમાં સર્જાયેલા વિવાદમાં મારા નિર્ણયનું પણ યોગદાન છે. બીબીસી સારી કામગીરી કરે છે પરંતુ કેટલીક ભૂલો પણ થઇ છે. તેથી ડિરેક્ટર જનરલ તરીકે મારે સંપુર્ણ જવાબદારી લેવી જોઇએ.

દેબોરાહ ટર્નેસે જણાવ્યું હતું કે, પેનોરામા પ્રોગ્રામ અંગેનો વિવાદ એ સ્તરે પહોંચ્યો છે જેના કારણે બીબીસીને નુકસાન થઇ રહ્યું છે. મારે તેની જવાબદારી લેવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter