લંડનઃ ભારતીય મૂળના બિઝનેસ લીડર અને ગ્લોબલ એડવાઇઝર શુમીત બેનરજીએ 21 નવેમ્બર 2025ના રોજ બીબીસીના બોર્ડમાંથી રાજીનામુ આપી દીધું હતું. શુમીતે બીબીસીમાં ગવર્નન્સમાં ગંભીર સમસ્યાઓનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બીબીસીના ડિરેક્ટર જનરલ ટીમ ડેવી અને ન્યૂઝ ચીફ એક્ઝિક્યુટિવ દેબોરાહ ટર્નેસના રાજીનામા માટેના આંતરિક નિર્ણયો પર મારો કોઇ સંપર્ક કરાયો નહોતો. બીબીસીની માળખાકીય વ્યવસ્થાઓમાં પ્રવર્તી રહેલી ચિંતાઓના કારણે મારે રાજીનામાનો નિર્ણય લેવો પડ્યો છે.
શુમીત બેનરજી વર્ષ 2022માં બીબીસીના બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે જોડાયા હતા. તેમની જવાબદારી બીબીસીની સ્વતંત્રતા, જાહેર હિતનું પ્રતિનિધિત્વ અને બીબીસીના ગવર્નન્સ પર સલાહ આપવાની હતી. તેમણે રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે યોગ્ય પ્રક્રિયા અનુસરવામાં આવતી નથી અને પુરતી ચર્ચા વિચારણા વિના જ મહત્વના નિર્ણય લેવાઇ રહ્યાં છે જે બોર્ડના હેતૂને જ મારી રહ્યાં છે.
હવે બીબીસીમાં ચેરમેન સમીર શાહનો પણ ભોગ લેવાશે?
બીબીસીમાં સુનિયોજિત પક્ષપાત ચાલી રહ્યો હોવાના વિવાદમાં હવે બંધૂકો બોર્ડના ચેરમેન સમીર શાહ સામે તણાતા કટોકટી ઘણી ગંભીર બની છે. બીબીસીના એક પૂર્વ ન્યૂઝ એડિટરે ચેતવણી આપી છે કે નબળા પૂરવાર થયેલા સમીર શાહ બીબીસી છોડનારા ત્રીજા વરિષ્ઠ હોદ્દેદાર બની શકે છે. સર ઓલિવર ક્રેગે જણાવ્યું હતું કે, રાજીનામુ આપનારા બેનરજીએ જે પ્રકારના ગંભીર આરોપ મૂક્યા છે તે દર્શાવે છે કે સમીર શાહ નબળા પૂરવાર થઇ રહ્યાં છે અને બીબીસી પર તેમની કોઇ પકડ રહી નથી. સમીર શાહ સામેના જોખમો ઘણા ગંભીર છે અને બીબીસીને ચેરમેનને ગુમાવવા પડે તેવી સ્થિતિ પણ આવી શકે છે. , બેનરજીનું રાજીનામુ સ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં બીબીસીની નિષ્ફળતાનું સીધું પરિણામ છે. બેનરજીના રાજીનામાએ બીબીસીના દુશ્મનો અને ટીકાકારો માટે સ્થિતિ વધુ સરળ બનાવી દીધી છે.
સમીર શાહના નેતૃત્વ પર કલ્ચર કમિટીએ સવાલો ઉઠાવ્યા
બીબીસીમાં સમીર શાહના નેતૃત્વ પર સાંસદો દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કલ્ચર રિસ્પેક્ટ કમિટીના વડાએ સીધો સવાલ કર્યો હતો કે શું બીબીસીનું બોર્ડ સમીર શાહના નેતૃત્વ હેઠળ સુરક્ષિત હાથોમાં છે. તેમના દ્વારા કમિટી સમક્ષ રજૂ કરાયેલા પુરાવા આંખમાં ધૂળ નાખનારા છે. હાઉસ ઓફ કોમન્સની કમિટી સમક્ષ હાજર થયા બાદ સમીર શાહ અંગે વરિષ્ઠ સાંસદ ડેમ કેરોલિન ડિનેનએજે જણાવ્યું હતું કે, બીબીસીના વહીવટમાં નેતૃત્વની પકડના અભાવથી હું ઘણી ચિંતિત છું.

