લંડન
લેસ્ટરના ઘટનાક્રમ સમયે હિન્દુ વિરોધી એજન્ડાને વેગ આપે તેવા કવરેજ માટે બીબીસી સામે વિરોધ પ્રદર્શન કરવાની બ્રિટનના હિન્દુઓ તૈયારી કરી રહ્યાં છે. ટ્વિટર પર શરૂ કરાયેલા અભિયાન અનુસાર 29મી ઓક્ટોબરે લંડનમાં પોર્ટલેન્ડ ખાતે આવેલા બીબીસી બ્રોડકાસ્ટિંગ હાઉસની સામે વિરોધ પ્રદર્શન માટે મોટી સંખ્યામાં એકત્ર થવા હિન્દુઓ આહવાન કરવામાં આવી રહ્યું છે.
બ્રિટિશ હિન્દુ સંગઠનોનો આરોપ છે કે સોશિયલ મીડિયામાં ફેલાવાતી ગેરમાર્ગે દોરતી માહિતીને ગાર્ડિયન અને બીબીસી જેવા મેઇનસ્ટ્રીમ મીડિયા દ્વારા વધારી ચડાવીને પ્રસારિત કરાતી હતી. જેના કારણે લેસ્ટરમાં હિન્દુવિરોધી હિંસાને વધુ વેગ મળ્યો હતો.
પ્રદર્શનના આયોજકોએ જણાવ્યું હતું કે, ભારત અને હિન્દુઓને નકારાત્મક રીતે દર્શાવવાનો બીબીસીનો ઇતિહાસ રહ્યો છે. આ પ્રદર્શનોમાં વિદ્યાર્થીઓ, કામકાજી લોકો, ભારતીય સંગઠનો સંયુક્ત રીતે જોડાશે. અમે બીબીસીના હિન્દુ વિરુદ્ધ ધિક્કાર ફેલાવતા એજન્ડા સામે વિરોધ કરવાના છીએ. અમે બ્રિટિશ મીડિયાને સ્પષ્ટ સંકેત આપવા માગીએ છીએ કે તેઓ લેસ્ટર અને બર્મિંગહામની ઘટનાઓનો સાચો ચિતાર રજૂ કરી રહ્યાં નથી.
આ પહેલાં સપ્ટેમ્બરના અંતભાગમાં ગાર્ડિયન અખબારની કચેરીઓ સામે પણ હિન્દુ સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શનો કરાયાં હતાં.


