લંડનઃ બીબીસી દ્વારા વર્ષ 2024ની વિશ્વની સૌથી પ્રભાવશાળી મહિલાઓની જાહેર કરાયેલી યાદીમાં ભારતની 3 મહિલા અને એક ભારતીય મૂળની અમેરિકન મહિલાને સ્થાન અપાયું છે.
ભારતના સામાજિક કાર્યકર અરૂણા રોયને બીબીસીની આ યાદીમાં સમાવવામાં આવ્યા છે. અરૂણા રોય ભારતમાં ગરીબોના અધિકાર અને ગ્રામીણ સમુદાયોના ઉત્થાન માટે ઘણા કામ કરી ચૂક્યાં છે.
આ યાદીમાં સ્થાન પ્રાપ્ત કરનાર દિલ્હીના પૂજા શર્મા છેલ્લા 3 વર્ષથી બિનવારસી મૃતદેહોની અંતિમક્રિયાનું કાર્ય કરે છે. હત્યા કરાયેલા ભાઇની અંતિમવિધિમાં કોઇ હાજર ન રહેતાં પૂજાએ બિનવારસી મૃતદેહોની અંતિમ ક્રિયાનો પ્રારંભ કર્યો હતો.
બીબીસીની પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં ભારતની કુસ્તીબાજ અને 3 વાર ભારત તરફથી ઓલિમ્પિકમાં ભાગ લેનાર વિનેશ ફોગટને સ્થાન અપાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પેરિસ ઓલિમ્પિકમાં વજનના નિયમોના કારણે વિનેશને ફાઇનલમાંથી બહાર થઇ જવાની ફરજ પડી હતી.
તે ઉપરાંત હાલ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક ખાતે ફસાઇ ગયેલા ભારતીય મૂળના અમેરિકન મહિલા અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સને પણ આ યાદીમાં સ્થાન અપાયું છે. સુનિતા વિલિયમ્સ 2007માં અંતરિક્ષમાં સૌથી વધુ સમય રહેનાર પ્રથમ અંતરિક્ષ યાત્રી બન્યાં હતાં.


