લંડન
બીબીસી દ્વારા જે રીતે હિન્દુ સમુદાય સાથે પક્ષપાત કરવામાં આવી રહ્યો છે તેની સામે હિન્દુ ફોરમ ઓફ બ્રિટને અત્યંત નારાજગી અને રોષ વ્યક્ત કર્યાં છે. એકતરફ બીબીસી તેના વાર્ષિક રિપોર્ટમાં એમ કહે છે કે તમામ પ્રત્યે સમભાવ એ વિશ્વાસનો પાયો છે અને અમારા પ્રેક્ષકોને અમારામાં વિશ્વાસ છે. તમામ પ્રત્યે સમભાવ રાખવો સરળ બાબત નથી પંરતુ અમારા પ્રેક્ષકો અમારી પાસેથી ઉચ્ચ ધોરણોની આશા રાખી રહ્યાં છે. બીજીતરફ બીબીસીની સ્થાપનાના 100મા વર્ષમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તૈયાર કરાયેલી દસ્તાવેજી ફિલ્મમાં બીબીસીએ પક્ષપાતવિહોણા પત્રકારત્વના તેના મૂળભૂત સિદ્ધાંતને જ ગુમાવી દીધો છે.
મોટી સંખ્યામાં હિન્દુ સમુદાયના લોકોએ અમને રજૂઆત કરી છે કે બીબીસીએ નરેન્દ્ર મોદી પરની દસ્તાવેજી ફિલ્મ પ્રદર્શિત કરીને અસંવેદનશીલતાનું પ્રદર્શન કર્યું છે. સમર 2022માં બનેલી ઘટનાઓ બાદ સમુદાયો, પોલીસ અને આમ જનતા દ્વારા લેસ્ટર અને અન્ય શહેરોમાં સંબંધો, વિશ્વાસ અને ભાઇચારાની પુનઃસ્થાપનાના પ્રયાસોને મોટું નુકસાન થઇ શકે છે. આ પ્રકારના હિન્દુઓ પ્રત્યે ધિક્કાર પ્રગટાવે તેવા કાર્યક્રમો પ્રદર્શિત કરવાથી અસામાજિક તત્વોને હિન્દુઓને લક્ષ્યાંક બનાવવાનું હથિયાર મળી રહેશે. શું બીબીસીની કોઇ જવાબદારી નથી?
બીબીસી દ્વારા પ્રસારિત કરાયેલો પ્રોગ્રામ અસંતુલિત અને પુરતું સત્ય ધરાવતો નથી. હિંસાને વખોડી જ નાખવી જોઇએ. 2002માં ટ્રેનના કોચને આગ ચાંપીને 59 હિન્દુઓને જીવતા સળગાવી દેવાયા હતા. તેના કારણે ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા પરંતુ તેને બીબીસી દ્વારા બહુ ઓછી પ્રાથમિકતા અપાઇ હતી.
ભારતની સુપ્રીમ કોર્ટ પણ ગુજરાત રમખાણોના મામલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દોષમુક્ત જાહેર કરી ચૂકી છે. હિન્દુ ફોરમ ઓફ બ્રિટન ભારત અને યુકે વચ્ચેના વેપાર, શિક્ષણ અને સાંસ્કૃતિક સંબંધોને મહત્વ આપે છે અને આશા રાખે છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહીના ચૂંટાયેલા નેતાને બદનામ કરવાના પ્રયાસો છતાં આ સંબંધો અકબંધ રહેશે. હિન્દુ સમાજના તમામ વર્ગો દ્વારા બીબીસીના પક્ષપાતી કાર્યક્રમની ટીકા કરવામાં આવી રહી છે.


