લંડન
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની વિવાદાસ્પદ દસ્તાવેજી ફિલ્મના ઉગ્ર વિરોધ મધ્યે યુકેની સરકારે જણાવ્યું હતું કે, બીબીસી એક સ્વતંત્ર મીડિયા એજન્સી છે અને તે તેના કાર્યક્રમોના પ્રસારણ માટે સ્વતંત્ર છે. વડાપ્રધાન રિશી સુનાકના પ્રવક્તાએ પત્રકારોના સવાલોના જવાબ આપતા જણાવ્યું હતું કે, બીબીસી તેના કાર્યક્રમોના પ્રસારણ અંગે સ્વતંત્ર છે અને અમે ભારતને અમારા મહત્વના આંતરરાષ્ટ્રીય ભાગીદાર દેશ તરીકે ગણીએ છીએ.
તેમણે જણાવ્યું હતું કે, અમે ભારત સાથેની ભાગીદારીમાં મોટાપાયે રોકાણ કરી રહ્યાં છીએ. અમને વિશ્વાસ છે કે આગામી સમયમાં બંને દેશ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. આ પહેલાં હાઉસ ઓફ કોમન્સમાં એક સવાલનો જવાબ આપતા વિદેશ મંત્રી ક્લેવરલીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ મેં ભારતના હાઇ કમિશ્નર સાથે મુલાકાત કરીને સંખ્યાબંધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે પણ જણાવ્યું હતું કે, બીબીસીની ફિલ્મ દ્વારા ભારતમાં ભારત સરકારની કેવી છબિ સર્જાઇ છે તે અમે જાણીએ છીએ. પરંતુ બીબીસી એક સ્વતંત્ર સંસ્થા છે અને તે તેના કાર્યક્રમોનું પ્રસારણ કરવાની સ્વતંત્રતા ધરાવે છે.


