બીબીસીની પત્રકારને પરેશાન કરવાના મામલામાં 3 વ્યક્તિની અપીલ ફગાવાઇ

જતિન્દર કામરા, સુખરાજ સિંહ અને ક્રિસ્ટોફર ડીચલરને મૂળ સજા ઉપરાંત 1,000 પાઉન્ડનો દંડ

Tuesday 22nd September 2026 10:49 EDT
 
 

લંડનઃ બીબીસીની પત્રકાર કેટરિન નાયને હેરાન-પરેશાન કરવાના મામલે દોષિત ઠરેલા ત્રણ પુરુષોએ કરેલી અપીલ અદાલતે ફગાવી દીધી છે. નાય 'એ વેરી બ્રિટિશ કલ્ટ'  પોડકાસ્ટ શ્રેણી અને ડોક્યુમેન્ટરીના પ્રસ્તુતકર્તા છે.

ક્રિસ્ટોફર ડીચલર, જતિન્દર કામરા અને સુખરાજ સિંહ નામના ત્રણ વ્યક્તિઓ ઑગસ્ટ અને સપ્ટેમ્બર 2024માં પત્રકારના પરિવાર અને બાળકોની હાજરીમાં તેમના ખાનગી નિવાસ્થાને પહોંચ્યા હતા. જેના કારણે તેમના પર ધાકધમકી આપવાનો ગુનો નોંધાયો હતો. આ ત્રણેય લાઈટહાઉસ નામના જૂથના સભ્યો છે, જેમના વિરુદ્ધ 2023માં નાય દ્વારા તપાસ આધારિત પોડકાસ્ટ અને ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી હતી.

આ અગાઉ ફેબ્રુઆરી મહિનામાં નીચલી અદાલતે આ ત્રણેયને દોષિત ઠેરવીને 200 કલાકની કોમ્યુનિટી સર્વિસ અને 10 વર્ષ માટે પત્રકાર અથવા તેમના જીવનસાથીનો સંપર્ક કરવા કે તેમની નજીક જવા પર પ્રતિબંધ મૂકતો રિસ્ટ્રેનિંગ ઓર્ડર જાહેર કર્યો હતો. આ સજા સામે તેમણે અપીલ કરી હતી. અપીલ ફગાવવાની સાથે અદાલતે મૂળ સજા ઉપરાંત આ ત્રણેય આરોપીઓને વધારાનો 1,000 પાઉન્ડનો દંડ પણ ફટકાર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter