લંડન
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની બીબીસીની દસ્તાવેજી ફિલ્મ ઇન્ડિયા- ધ મોદી ક્વેશ્ચન એવા સમયે આવી છે જ્યારે ભારતે બ્રિટનને પરાસ્ત કરીને વિશ્વના પાંચમા સૌથી મોટા અર્થતંત્રનું સ્થાન હાંસલ કર્યું છે, ભારતે આ વર્ષે જી-20નું અધ્યક્ષપદ સંભાળ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો દબદબો વધી રહ્યો છે. બીબીસીનો દાવો છે કે આ દસ્તાવેજી ફિલ્મ બ્રિટિશ સરકાર દ્વારા તૈયાર કરાયેલા એક ગુપ્ત રિપોર્ટના આધારે નિર્માણ કરાઇ છે. જેમાં વર્ષ 2002માં ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણો માટે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવવામાં આવ્યાં છે.
બીબીસીનો ભારત પ્રત્યેનો દ્વેષ હાલનો નથી. લંડન યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર એલસડેર પિન્કરસ્ટને બીબીસીના ભારત પ્રત્યેના દ્વેષનો વિગતવાર અભ્યાસ કરેલો છે. 1947થી 2008 સુધીના ઘટનાક્રમોમાં બીબીસીએ કેવી રીતે ભારત વિરોધી પ્રોપેગેન્ડા ચલાવ્યા તે અંગેના અભ્યાસમાં પ્રોફેસર પિન્કરસ્ટનેજણાવ્યું છે કે દક્ષિણ એશિયાના જિઓપોલિટિક્સ અને ઇકોનોમિક્સ પરનું રિપોર્ટિંગ હંમેશા ભારત વિરોધી રહ્યું છે જે તેની સામ્રાજ્યવાદી અને સંસ્થાનવાદી માનસિકતાને પ્રગટ કરે છે.
1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે પક્ષપાતી રિપોર્ટિંગ માટે બીબીસી પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકી દેવાયો હતો. 1970માં ફરી એકવાર ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા બીબીસી પર પ્રતિબંધ મૂકાયો હતો. 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા કરાઇ ત્યારે બીબીસીએ હાર્ડકોર ખાલિસ્તાની તત્વોને મંચ પૂરો પાડ્યો હતો. તેની સામે ભારે રોષ પ્રગટ કરાતાં તત્કાલિન બ્રિટિશ વડાંપ્રધાન માર્ગારેટ થેચરે હસ્તક્ષેપ કરી બીબીસીને માફી માગવા જણાવ્યું હતું.
2008માં મુંબઇમાં આતંકવાદી હુમલો થયો ત્યારે બીબીસીએ તેના રિપોર્ટિંગમા આતંકવાદીઓને આતંકવાદી નહીં પરંતુ બંધૂકધારી ગણાવ્યા હતા. તેની સામે સવાલો ઉઠાવાયા ત્યારે બીબીસીએ જણાવ્યું હતું કે પત્રકારોએ જજમેન્ટલ બનવું જોઇએ નહીં.
કાશ્મીરના મામલે પણ બીબીસીનું વલણ હંમેશા ભારત વિરોધી રહ્યું છે. 2016ના એક રિપોર્ટમાં બીબીસીએ આતંકી સરગણા બુરહાન વાણીને પ્રભાવશાળી યુવા ઉગ્રવાદી ગણાવ્યો હતો. 5 ઓગસ્ટ 2019ના રોજ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કર્યો ત્યારે પણ બીબીસીએ ભારત વિરોધી વલણ અપનાવતાં જણાવ્યું હતું કે, આર્ટિકલ 370ના કારણે જ કાશ્મીરીઓ ભારત સાથે જોડાયેલાં હતાં.
2020માં દિલ્હીમાં થયેલા રમખાણો, કિસાન આંદોલન, સીએએ વિરોધી દેખાવોમાં પણ બીબીસીના રિપોર્ટિંગમાં ભારત વિરોધી દ્વેષ સ્પષ્ટ દેખાઇ આવતો હતો. બીબીસીએ હિન્દુ સમુદાયને પણ હંમેશા હીન ચીતરવાનો પ્રયાસ કર્યો છે. બીબીસીએ હોળીના તહેવારને ગંદો તહેવાર ગણાવ્યો હતો અને ઉગ્ર વિરોધ થતાં માફી માગવી પડી હતી.
બ્રિટનના સત્તાધીશોની જેમ બીબીસી પણ હજુ સંસ્થાનવાદી માનસિકતામાંથી બહાર આવી શકી નથી. તેના કારણે જ તેના રિપોર્ટિંગમાં ભારત અને ભારતના સત્તાધીશો વિરોધી દ્વેષ છલકાતો રહે છે.
લેસ્ટરમાં કોમી તણાવ વખતે પણ બીબીસીની હિન્દુ વિરોધી માનસિકતા છતી થઇ હતી
ઓગસ્ટ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ બાદ બ્રિટનના લેસ્ટરમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે તણાવ સર્જાયો ત્યારે બીબીસીના રિપોર્ટિંગમાં હિન્દુ વિરોધી માનસિકતા છતી થઇ હતી. બીબીસી દ્વારા હિન્દુ સમુદાયને આ તણાવ માટે દોષી ઠેરવાયો હતો જેનો બ્રિટિશ હિન્દુ સમુદાય દ્વારા ઉગ્ર વિરોધ કરાયોહતો.


