નવી દિલ્હીઃ ફોરેન એક્સચેન્જ કાયદાના ઉલ્લંઘન માટે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) અંતર્ગત બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપની (બીબીસી) ઇન્ડિયા સામે કેસ નોંધ્યાના બે વર્ષ બાદ ભારત સરકારના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કંપનીને રૂપિયા 3.44 કરોડનો દંડ ફટકાર્યો છે. ઇડીએ બીબીસીના 3 ડિરેક્ટરને દરેકને રૂપિયા 1.14 કરોડનો દંડ ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.
ફેબ્રુઆરી 2023માં ભારતના આવકવેરા વિભાગ દ્વારા ટ્રાન્સફર પ્રાઇસિંગ રૂલ અને પ્રોફિટના ડાયવર્ઝનના કથિત આરોપસર બીબીસીની નવી દિલ્હી અને મુંબઇ ખાતેની કચેરીઓ પર દરોડા પડાયા હતા. જેના પગલે ઇડી દ્વારા પણ કેસ નોંધવામાં આવ્યો હતો.
બીબીસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બીબીસી ભારત સહિત તે જે દેશોમાં કામ કરે છે ત્યાંના નિયમો અને કાયદાનું પાલન કરવા પ્રતિબદ્ધ છે. આ તબક્કે બીબીસી વર્લ્ડ સર્વિસ ઇન્ડિયા અથવા તેનો કોઇ ડિરેક્ટરને ઇડી તરફથી કોઇ આદેશ અપાયો નથી. અમે આદેશ મળ્યે તેની સમીક્ષા કરી આગામી પગલાં લઇશું.
ઇડી દ્વારા ફટકારાયેલા દંડ પર એક અધિકારીએ જણાવ્યું હતું કે, બીબીસી વર્લ્ડ સર્વિસ ઇન્ડિયાને રૂપિયા 3,44,48,850 નો દંડ ફટકારવામાં આવ્યો છે. તેની સાથે પેનલ્ટી ન ભરાય ત્યાં સુધી 15 ઓક્ટોબર 2021થી રોજના રૂપિયા 5000નો દંડ પણ ચૂકવવો પડશે. તે ઉપરાંત બીબીસી વર્લ્ડ સર્વિસ ઇન્ડિયાના ડિરેક્ટરો જાઇલ્સ એન્થની હન્ટ, ઇન્દુ શેખર સિન્હા અને પોલ માઇકલ ગિબસન એમ દરેકને તેમની ભુમિકા માટે રૂપિયા 1,14,82,950 નો દંડ કરાયો છે.