લંડન
બ્રિટિશ સરકારની નવી રાજ્યાશ્રય નીતિની ટીકા કરતી ટિપ્પણીઓ માટે પૂર્વ સોકર સ્ટાર અને બીબીસીના પ્રોગ્રામ હોસ્ટ ગેરી લાઇનકેરને બરતરફ કરવાના મામલે સર્જાયેલી કટોકટી બીબીસીને હચમચાવી રહી છે. મોટી સંખ્યામાં બીબીસીના પ્રોગ્રામ પ્રેઝન્ટર્સ લાઇનકેરના સમર્થનમાં આગળ આવ્યાં છે. તેમણે બીબીસી પર વાણી સ્વાતંત્ર્યને કચડી નાખવા અને રાજકીય પક્ષપાતના આરોપ મૂક્યાં છે.
બપોરના સમય પ્રસારિત કરાતા બીબીસીના કાર્યક્રમ ફૂટબોલ ફોકસના પ્રેઝન્ટર્સે જણાવ્યું હતું કે, તેઓ લાઇનકેરના સમર્થનમાં પ્રોગ્રામમાં હિસ્સો નહીં લે. જેના પગલે બીબીસીએ ફૂટબોલ ફોકસ કાર્યક્રમનું પ્રસારણ રદ કરીને તેના સ્થાને બાર્ગેન હન્ટ કાર્યક્રમ પ્રસારિત કરવાનો નિર્ણય લીધો હતો. લાઇનકેરે બ્રિટિશ સાંસદોની માઇગ્રન્ટ્સ પ્રત્યેની ભાષાને નાઝી જર્મની સાથે સરખાવતા તેમને મેચ ઓફ ધ ડે કાર્યક્રમના હોસ્ટ પદેથી હટાવી દેવાયા હતા. લાઇનકરના સંખ્યાબંધ સહયોગીઓએ તેમના વિના કાર્યક્રમ પર કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ફૂટબોલ ફોકસ અને ફાઇનલ સ્કોરના પ્રેઝન્ટર્સ એલેક્સ સ્કોટ અને કેલી સોમર્સે લાઇનકેરના સસ્પેન્શનના વિરોધમાં કાર્યક્રમમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો. ફાઇનલ સ્કોરના પ્રેઝન્ટર જેસન મોહમ્મદે હોસ્ટ કરવાનો ઇનકાર કરી દેતાં શુક્રવારે ફાઇનલ સ્કોરનું પ્રસારણ રદ કરી દેવાયું હતું. મેચ ડે કાર્યક્રમના પત્રકારોએ પણ બીબીસીની સામે બળવો પોકારી દીધો હતો.
લાઇનકેરના સમર્થનમાં બીબીસીમાં શરૂ થયેલો બળવો રેડિયો ફાઇવ લાઇવ સુધી પહોચી ગયો હતો. માર્ક ચેપમેન અને ડિયોન ડબ્લિને બહિષ્કારનું એલાન કર્યું હતું. રેડિયો ફાઇવ લાઇવ સ્પોર્ટ્સના શો ફાઇટિંગ ટોકના હોસ્ટ કોલિન મરેએ જણાવ્યું હતું કે, અમારી આખી ટીમે કાર્યક્રમમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે. આ બહિષ્કારના પગલે ફાઇટિંગ ટોક શોના સ્થાને પોડકાસ્ટનું પ્રસારણ કરાયું હતું.
ફાઇનલ સ્કોરના રિપોર્ટર માર્ક વેબરે જણાવ્યું હતું કે, આજના શો માટે અમે કરેલું કામ એળે ગયું છે. અમારામાંના ઘણા ફ્રીલાન્સર છે અને અમને પ્રતિ ગેમ નાણા ચૂકવાય છે. અમે અમારા આજના પગારનું બલિદાન આપી દીધું છે. લાઇનકેરે બીબીસીની એડિટોરિયલ ગાઇડલાઇનનું કોઇ ઉલ્લંઘન કર્યું નથી. તેમના અંગત અભિપ્રાય માટે આ રીતે પગલાં લેવાતાં હોય તો હું આંખ આડા કાન કરી શકું નહીં.
મેચ ઓફ ડે કાર્યક્રમના પંડિતો ઇયાન રાઇટ અને એલન શિઅરેરે પણ કાર્યક્રમમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો. રાઇટે તો શો છોડી દેવાની ધમકી પણ આપી દીધી છે.
લાઇનકેરને સસ્પેન્ડ કરીને બીબીસીએ મોટી ભૂલ કરી છે – પૂર્વ વડા
બીબીસીના પૂર્વ ડિરેક્ટર જનરલ ગ્રેગ ડાઇકે જણાવ્યું હતું કે, લાઇનકેરને સસ્પેન્ડ કરીને બીબીસીએ તેની વિશ્વસનિયતા ગુમાવી છે. બીબીસીએ એવી છાપ ઊભી કરી છે કે તે સરકારના દબાણ સામે ઝૂકી રહી છે. મને લાગે છે કે બીબીસીએ મોટીભૂલ કરી છે.
લાઇનકેરે અમારી ગાઇડલાઇનનું ઉલ્લંઘન કર્યું છે – બીબીસી
બીબીસીએ જણાવ્યું હતું કે, લાઇનકેરે સોશિયલ મીડિયા માટેની અમારી ગાઇડલાઇનનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે પાર્ટી પોલિટિકલ ઇશ્યૂ અથવા તો રાજકીય વિવાદમાં કોઇ પાર્ટીનો પક્ષ લેવાથી દૂર રહેવું જોઇએ. હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન અને કેટલાક યહૂદી સંગઠનોએ પણ લાઇનકેરની આકરી ટીકા કરી હતી.
બીબીસીને નમતું જોખવું પડ્યુ, ગેરી લાઇનકેરની વાપસી
બીબીસીએ ગેરી લાઇનકેર મામલામાં માફી માગતા તેમનું સસ્પેન્સન પાછુ ખેંચી લીધું છે. ગેરી લાઇનકેર હવે સપ્તાહાંતથી ફરી મેચ ઓફ ધ ડે પ્રોગ્રામમાં પરત ફરશે. બીબીસી તેની સોશિયલ મીડિયા ગાઇડલાઇનની સ્વતંત્ર સમીક્ષા માટે તૈયારી દર્શાવી છે અને અહેવાલ ન આવે ત્યાં સુધી લાઇનકેર હાલના નિયમોનું પાલન કરશે. લાઇનકેરે તેમના સમર્થકો અને બીબીસીના ડિરેક્ટર જનરલનો આભાર માન્યો હતો.


