બીયર કેન પર કાલી દેવીના ફોટા બદલ નોટિંગહામની બ્રૂઅરીએ માફી માગી

Tuesday 17th August 2021 15:56 EDT
 
 

 ઈસ્ટ ઈન્ડિયા પોર્ટર બીયર કેન પર હિંદુ દેવી કાલીનો ફોટો મૂકતા હિંદુઓએ કરેલા ઉગ્ર વિરોધ પછી લેંગલી મીલ (નોટિંગહામ, ઈંગ્લેન્ડ) સ્થિત બેંગ ધ એલિફન્ટ  (BTE) બ્રૂઈંગ કંપનીએ માફી માગી હતી.  
આ વિરોધનું નેતૃત્વ કરનારા હિંદુ મુત્સદી રાજન ઝેડને પાઠવેલા ઈમેલમાં BTE બ્રૂઈંગ કંપનીએ લખ્યું કે આંતરરાષ્ટ્રીય હિંદુ કોમ્યુનિટીનો અમે ગુનો કર્યો હોય તો અમે તેની અંતઃકરણપૂર્વક માફી માગીએ છીએ. કોઈ મર્યાદાભંગ કરવાનો અમારો સહેજ પણ ઈરાદો ન હતો. અમે આ બીયર માટેની ભવિષ્યની રીલિઝમાં સુધારા કરવા માટે આપની સાથે કામ કરવા ઈચ્છુક છીએ. આ બીયર કેનની કિંમત ૪.૫૦ પાઉન્ડ રખાઈ હતી.  
યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઝમના પ્રેસિડેન્ટ ઝેડે નેવાડા (અમેરિકા)માં નિવેદનમાં હિંદુ કોમ્યુનિટીની ચિંતા સમજવા બદલ BTE બ્રૂઈંગ કંપનીનો આભાર માન્યો હતો. તેમનું માનવું હતું કે  આ પ્રકારની પ્રોડક્ટ પર દેવી કાલીનો ફોટો મૂકવાનું અયોગ્ય ગણાય.    
દેવી કાલી હિંદુ ધર્મમાં ખૂબ પૂજનીય છે. તેઓ મંદિરો અથવા ઘરના પૂજાસ્થાનમાં પૂજવા લાયક છે. બીયર વેચવા માટે તેમની તસવીરનો ઉપયોગ કરી શકાય નહીં. હિંદુ ધર્મગ્રંથો અથવા દેવી-દેવતાઓ અથવા પ્રતીકોનો અયોગ્ય ઉપયોગ કોમર્શિયલ અથવા અન્ય હેતુસર થાય તે યોગ્ય નથી કારણ કે તેનાથી હિંદુઓની લાગણી દુભાય છે.
ઝેડે ઉમેર્યું હતું કે હિંદુ ધર્મ સૌથી પ્રાચીન ધર્મો પૈકીનો એક ધર્મ છે અને વિશ્વભરમાં તેના ૧.૨ બિલિયન જેટલા અનુયાયી છે. હિંદુ ધર્મમાં તત્ત્વચિંતનના સમૃદ્ધ વિચારો છે. તેને નજરઅંદાજ કરી શકાય નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter