લંડનઃ પાર્ટીના સાંસદ સારા પોચિન દ્વારા બુરખા પર પ્રતિબંધ લાદવાની માગ કરાયા બાદ રિફોર્મ યુકેમાં સર્જાયેલી અંધાધૂંધીને પગલે ઝિયા યુસુફે પાર્ટીના અધ્યક્ષપદેથી રાજીનામુ આપી દીધું હતું. મલ્ટીમિલિયોનર બિઝનેસમેને જણાવ્યું હતું કે, આગામી સંસદની ચૂંટણીમાં રિફોર્મ યુકેને જીતાડવા માટે હું મારા સમયને વેડફવા માગતો નથી. એવા પણ અહેવાલો પ્રાપ્ત થયાં છે કે તાજેતરના સમયમાં ઝિયા યુસુફને પાર્ટીમાં હાંસિયામાં ધકેલી દેવાયા હતા અને તેમની કામગીરી અન્યોને સોંપવામાં આવતી હતી. રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજે જણાવ્યું હતું કે, યુસુફના રાજીનામાથી મને ઘણું દુઃખ થયું છે. મે મહિનામાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં રિફોર્મ યુકેની સફળતામાં ઝિયા યુસુફનું મોટું યોગદાન રહ્યું હતું.
ઝિયા યુસુફની 48 કલાકમાં જ ઘરવાપસી, નવો કાર્યભાર સોંપાવાની અટકળો
રિફોર્મ યુકેના અધ્યક્ષપદેથી રાજીનામુ આપનાર ઝિયા યુસુફ 48 કલાકમાં જ પાર્ટીમાં પરત ફરવા માની ગયા હતા. નાઇજલ ફરાજ સાથે વાતચીત બાદ તેમણે આ નિર્ણય લીધો હતો. એક મુલાકાતમાં યુસુફે જણાવ્યું હતું કે, મારો નિર્ણય ભૂલ હતી. જોકે યુસુફને હવે પાર્ટીમાં કેવી કામગીરી સોંપાશે તે અંગે નાઇજલ ફરાજ દ્વારા ખુલાસો કરાયો નથી. સંભાવના છે કે ઇલોન મસ્કમાંથી પ્રેરણા લઇ રિફોર્મ યુકે દ્વારા શરૂ કરાયેલા ડીઓજીઇ યુનિટનો કાર્યભાર યુસુફને સોંપવામાં આવે.
રિફોર્મ યુકેના અધ્યક્ષપદે ડેવિડ બુલની વરણી
ઝિયા યુસુફના રાજીનામા બાદ ટોકટીવી હોસ્ટ ડેવિડ બુલની રિફોર્મ યુકે પાર્ટીના અધ્યક્ષપદે વરણી કરાઇ છે. નાઇજલ ફરાજના વર્ષો જૂના સાથી 56 વર્ષીય બુલ રિફોર્મ યુકેમાં વિવિધ જવાબદારી સંભાળી ચૂક્યાં છે. ફરાજે જણાવ્યું હતું કે, ડેવિડ બુલ કાર્યકરોને નેતૃત્વ પુરું પાડશે.