લંડનઃ ભારતના બીજા ક્રમના અને વિશ્વમાં આઠમા ક્રમના સૌથી ધનવાન ઉદ્યોગપતિ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને યુએસની બાયઆઉટ ફર્મ એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ સાથે મળીને યુકે હાઈ સ્ટ્રીટની 173 વર્ષ જૂની ફાર્મસી ચેઈન બૂટ્સ-Boots ખરીદવા બોલી લગાવવાની યોજના બનાવી રહ્યા હોવાનું જાણવા મળે છે. જો આ સોદો સફળ થશે તો બ્રિટનના પ્રખ્યાત રિટેઈલર્સમાં એક બૂટ્સ ભારત, સાઉથઈસ્ટ એશિયા અને મિડલ ઈસ્ટમાં પોતાની હાજરી વધારી શકશે.
આ યોજના હેઠળ માર્કેટ કેપિટાલાઈઝેશન મુજબ ભારતની સૌથી મોટી લિસ્ટેડ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ દ્વારા બોલી થકી બૂટ્સમાં ઈક્વિટી હિસ્સો મેળવાશે. જોકે, કોનો કેટલો હિસ્સો રહેશે તે જાણી શકાયું નથી. બૂટ્સની અમેરિકી પેરન્ટ કંપની વોલગ્રીન્સ બૂટ્સ એલાયન્સે તેના ડોમેસ્ટિક બજારમાં હેલ્થકેર પર ધ્યાન કેન્દ્રિત કરવા ગત ડિસેમ્બરમાં બૂટ્સને વેચાણમાં મૂકી છે. બોલી લગાવવા માટે 16 મેની મર્યાદા રખાઈ હોવાનું પણ બજારના સૂત્રો કહે છે. વેચાણપ્રક્રિયામાં યુકેની બૂટ્સ ચેઈનનું મૂલ્ય 5થી 6 બિલિયન પાઉન્ડ મૂકાવાની ધારણા હોવાનું ફાઈનાન્સિયલ ટાઈમ્સે જણાવ્યું હતું.
યુકે સુપરમાર્કેટ ગ્રૂપ અસ્ડાના માલિક મોહસીન અને ઝૂબેર ઈસા ભાઈઓ અને ખાનગી ઈક્વિટી ગ્રૂપ TDR કેપિટલે પણ બૂટ્સ માટે પ્રાથમિક બોલી લગાવી છે. અન્ય બે પ્રાઈવેટ ઈક્વિટી ગ્રૂપ્સ બેઈન કેપિટલ અને CVC કેપિટલ પાર્ટનર્સ બોલીની પ્રક્રિયામાંથી ખસી ગયા છે. યુકેમાં બૂટ્સના 2200 જેટલા ફાર્મસી, હેલ્થ અને બ્યૂટી સ્ટોર્સ છે અને તેની વાર્ષિક આશરે 16 બિલિયન પાઉન્ડની રેવન્યુના 45 ટકા તો સરકારી હેલ્થ સર્વિસNHSને સર્વિસીસ આપવામાંથી મળે છે.
ઓઈલથી ટેલિકોમ ક્ષેત્ર સુધી હાજરી ધરાવતી અંબાણીની મહાકાય રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે યુકેના ટોય સ્ટોર હેમલેઝ સહિત વિદેશમાં બિઝનેસીસ ખરીદ્યા છે. રિલાયન્સે તાજેતરમાં જિનેટિક્સ બિઝનેસ સ્ટ્રાન્ડ લાઈફ સાયન્સીસ સહિત હેલ્થકેર કંપનીઓમાં રોકાણો કર્યાં છે.