લંડનઃ યુકેમાં કોવિડ-૧૯ને માત આપવા વેક્સિનેશન અભિયાન જોરશોરથી આગળ વધી રહ્યું છે તથા હોસ્પિટલ એડમિશન્સ અને મૃત્યુના પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ, વેક્સિનની આડઅસરના કેસીસ બહાર આવી રહ્યા છે. નવા કેસ સ્ટડીમાં ફાઈઝર બૂસ્ટર ડોઝ લીધાના એક મહિના પછી ત્વચા સંબંધિત પીડાકારી કંડિશન સર્જાતી હોવાના સંખ્યાબંધ કિસ્સા નોંધાયા છે.
યુકેની ત્રણ ચતુર્થાંશથી વધુ વસ્તી સંપૂર્ણપણે વેક્સિનેટેડ થઈ છે અને તેના પરિણામે, ઓમિક્રોન વેરિએન્ટની ખરાબ અસરો અટકાવવામાં મદદ મળી છે. લાખો લોકોને ખાસ આડઅસર વિના વેક્સિન અપાઈ છે અને ફાયદાની સરખામણીએ જોખમ ઘણું ઓછું છે. જોકે, ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ડર્મેટોલોજીમાં પ્રકાશિત અભાયાસમાં કોવિડ વેક્સિન લીધા પછી વસ્તીના થોડા હિસ્સાને ગંભીર આડઅસર થઈ હોવાનું પણ નોંધાયું છે જેમાં, બ્યુલોસ પેમ્ફીગોઈડ- bullous pemphigoid - BP નો સમાવેશ થાય છે. બ્યુલોસ પેમ્ફીગોઈડ ત્વચાને લગતી એવી સ્થિતિ છે જેમાં મોટા અને પ્રવાહીયુક્ત ફોલ્લાં થાય છે. સંશોધકોએ આવા સાત કેસ નોંધ્યા છે જેમાંથી, ચાર કેસમાં વેક્સિનેશન પછી બ્યુલોસ પેમ્ફીગોઈડની શરૂઆત થઈ હતી અને ત્રણ કેસમાં અગાઉના ફોલ્લાઓમાં વેક્સિનેશન પછી વધારો થયો હતો. ચારમાંથી બે કેસમાં ઈનએક્ટિવેટેડ CoronaVac ના બીજા ડોઝ તથા બે કેસમાં mRNA Pfizer-BioNTech બૂસ્ટરના પ્રથમ ડોઝ પછી આ સ્થિતિ જોવા મળી હોવાનું કેસ સ્ટડીમાં જણાવાયું હતું.


