લંડનઃ 29મી ઓગસ્ટથી સમગ્ર બૃહદ લંડનમાં અલ્ટ્રા એમિશન ઝોનનો અમલ શરૂ થઇ ગયો છે. એમિશન નિયમો પ્રમાણેની કાર નહીં ધરાવતા તમામ પેટ્રોલ અને ડીઝલ કારના વાહનચાલકોએ ઉલેઝ ઝોનમાં પ્રતિ દિવસ 12.50 પાઉન્ડનો ઉલેઝ ચાર્જ ચૂકવવો પડશે. લંડનના મેયર સાદિક ખાને સેન્ટ્રલ લંડનમાં 2019માં ઉલેઝનો અમલ શરૂ કરાવ્યો હતો. અઢી વર્ષ બાદ હવે નોર્થ અને સાઉથ સર્ક્યુલર રોડના દાયરામાં આવતા સમગ્ર લંડનના તમામ 33 બરોમાં ઉલેઝ અમલી બન્યો છે. જેના પગલે એમ25 મોટરવેની અંદર આવતા તમામ માર્ગ ઉલેઝ ઝોનમાં આવી ગયાં છે. અત્યાર સુધી પ્રતિ દિવસ 35,000 વાહનચાલકોને ઉલેઝ ચૂકવવાની ફરજ પડતી હતી પરંતુ 29મી ઓગસ્ટથી ઉલેઝ ઝોનનું વિસ્તરણ થતાં અંદાજિત 7 લાખ વાહનચાલકોને 12.50 પાઉન્ડ પ્રતિ દિવસ લેખે ઉલેઝની ચૂકવણી કરવી પડશે. ટીએફએલના અંદાજ પ્રમાણે પ્રતિ દિવસ 2,00,000 વાહનચાલકોને ઉલેઝ ચાર્જ ચૂકવવો પડશે. ઉલેઝ ચાર્જમાંથી રાહત આપવા માટે મેયર સાદિક ખાન દ્વારા ઉલેઝ સ્ક્રેપેજ સ્કીમનો પ્રારંભ કરાયો હતો જે અંતર્ગત ઓછી આવક ધરાવતા નાગરિકોને નવી કાર ખરીદવા અને જૂની કાર સ્ક્રેપ કરવા માટે 2000 પાઉન્ડની ગ્રાન્ટ અપાશે. આ માટે સિટી હોલ રિઝર્વમાંથી 160 મિલિયન પાઉન્ડની ફાળવણી કરાઇ છે.


