લંડનઃ 29 ઓગસ્ટથી લંડનના તમામ 33 બરોમાં મેયર સાદિક ખાનના ઉલેઝ વિસ્તરણનો અમલ શરૂ થઇ ગયો છે. આ વિવાદાસ્પદ યોજનાના પ્રારંભે જ અંધાધૂંધી જોવા મળી હતી. ઉલેઝ વિસ્તરણ સામે રોષે ભરાયેલા લોકો દ્વારા કેમેરાની તોડફોડ કરાઇ હતી તો બીજીતરફ ટીએફએલની નંબર પ્લેટ ચેક કરતી વેબસાઇટ ક્રેશ થઇ ગઇ હતી. લંડન બહારની કાઉન્સિલોએ ઉલેઝ વિસ્તરણની સાઇન મૂકવાનો ઇનકાર કરી દીધો હતો. એક્ટિવિસ્ટ મેયર સાદિક ખાન દ્વારા લગાવવામાં આવી રહેલા ઉલેઝ કેમેરા પર સ્ટિકર લગાવીને વિરોધ કરી રહ્યાં છે. ઉલેઝ કેમેરાના થાંભલાઓ પર સ્પાય કેમેરા લખેલા પોસ્ટર લગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકો વાહનચાલકોને ચેતવણી આપવા માટે કાર પર પણ પોસ્ટર લગાવી રહ્યાં છે.
બીજીતરફ સરકાર પણ ઉલેઝ વિસ્તરણની સાદિક ખાનની યોજનાને સ્થગિત કરવા માટે કાયદાકીય સત્તાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે ખાંખાખોળા કરી રહી છે. જો કે સરકારી વકીલોનું માનવું છે કે સાદિક ખાનની ઉલેઝ વિસ્તરણ યોજનાને અદાલતમાં અપાનારો પડકાર ટકી શકે તેમ નથી. તેનો અર્થ એ થયો કે 29 ઓગસ્ટથી સમગ્ર બૃહદ લંડનમાં ઉલેઝનો અમલ થઇ જશે.
1999ના ગ્રેટર લંડન ઓથોરિટી એક્ટમાં કાયદાકીય જોગવાઇ કરવામાં આવી છે કે ટ્રાન્સપોર્ટના સંદર્ભમાં લંડનના મેયર દ્વારા લેવાયેલો નિર્ણય રાષ્ટ્રીય સંપદા સાથે મેળ ન ખાતો હોય તો ટ્રાન્સપોર્ટ સેક્રેટરી આ નિર્ણય સ્થગિત કરાવી શકે છે. જો કે વકીલોનું કહેવું છે કે હવાનું પ્રદૂષણ ઘટાડવાની સરકારની પોતાની નીતિને પગલે જો આ પ્રકારનો કોઇ નિર્ણય લેવાશે તો તેને અદાલત રદ કરી નાખશે.
કોણે ઉલેઝની ચૂકવણી નહીં કરવી પડે..
યુરો 4 એન્જિન ધરાવતી અને 2006 પછી નિર્માણ થયેલી પેટ્રોલ કાર અને યુરો 6 એન્જિન ધરાવતી અને 2014 પછી નિર્માણ થયેલી ડીઝલ કારના વાહન ચાલકોને ઉલેઝની ચૂકવણી કરવી નહીં પડે. તેનો અર્થ એ થયો કે જો તમારી પેટ્રોલ કાર 16 વર્ષ કરતાં વધુ જૂની અને ડીઝલ કાર 7 વર્ષ કરતાં વધુ જૂની છે તો તમારે ઉલેઝ ચાર્જ ચૂકવવાનો રહેશે. ગ્રેટર લંડનમાં 85 ટકા વાહનો એમિશન નિયમો અંતર્ગત હોવાથી તેમને ઉલેઝ ચૂકવવો પડશે નહીં.
ઉલેઝ ઉલ્લંઘન માટે 180 પાઉન્ડનો દંડ થશે
ઉલેઝના ઉલ્લંઘન માટે વાહનચાલકને 180 પાઉન્ડનો દંડ કરાશે. ઉલેઝ વિસ્તરણ ફક્ત લંડનવાસીઓને જ નહીં પરંતુ લંડનમાં પ્રવેશનારા તમામ વાહનોને લાગુ પડે છે. તેમાં વિદેશી વાહનચાલકોનો પણ સમાવેશ થાય છે.
લંડનમાં લો એમિશન ઝોનના પ્રતિકો અધિકૃત અને કાયદેસર નથીઃ ટ્રિબ્યુનલ
લંડનઃ સાદિક ખાનની ઉલેઝ સ્કીમ જેવી જ લંડનની લો એમિશન ઝોન સ્કીમના પ્રતિકો ગેરકાયદેસર હોવાનો ચુકાદો અપીલ ટ્રિબ્યુનલ દ્વારા અપાયો છે. નોર્થ વેસ્ટ લંડનમાં હેરફિલ્ડમાં કંપનીના ડેપોમાંથી ટ્રક લાવવા અને લઇ જવા માટે 48 વર્ષના નોએલ વિલકોક્સને 11500 પાઉન્ડનો દંડ કરાયો હતો. નોએલે આ દંડ ચૂકવવાનો ઇનકાર કરીને ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી. ટ્રિબ્યુનલે નોએલની તરફેણમાં ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, લો એમિશન ઝોન માટેના ટ્રાન્સપોર્ટ ફોર લંડનના પ્રતિકો અધિકૃત અને કાયદેસર નથી.


