લંડનઃ દેશના બ્રોડકાસ્ટિંગ નિયમોનો ભંગ બદલ કરવા Up and Coming TV તેમજ 965 TV Limitedને ઓફકોમ દ્વારા નાણાકીય પેનલ્ટીઝ લગાવાઈ છે. Up and Coming Tvની ચેનલ સમા ટીવીએ બ્રોડકાસ્ટિંગ કોડનો ભંગ કર્યો હોવાથી 40,000 પાઉન્ડ જ્યારે 965 TV Limitedને તેની સેવા Studio 66 એ ટીવી એડવર્ટાઈઝિંગ નિયમોના ભંગ કરવા બદલ 15,000 પાઉન્ડનો દંડ કરાયો છે. બંને પેનલ્ટીઝ પેમાસ્ટર જનરલને ચૂકવવાની રહેશે.
ઓફકોમના જણાવ્યા મુજબ સમા ટીવીના પાકિસ્તાની વર્તમાન બાબતો સંબંધિત નદિમ મલિક લાઈવ કાર્યક્રમમાં સતત બે દિવસ અહેમદી લોકો માટે અપમાનજનક ગણાય તેવી એન્ટિ-અહેમદી ટીપ્પણીઓ કરાઈ હતી. આ જ રીતે એક કાર્યક્રમમાં યહુદીવિરોધી ટિપ્પણીઓ પણ જોવા મળી હતી જે યોગ્ય ન હતી. સમા ટીવી ઓગસ્ટ 2021થી નીઓ ન્યૂઝ તરીકે ઓળખાય છે.
અપ એન્ડ કમિંગ ટીવીએ પણ આ સમયથી પોતાની સેવા માટે અલગ કન્ટેન્ટ પ્રોવાઈડરનો ઉપયોગ શરૂ કર્યો છે. ઓફકોમ દ્વારા જણાવાયું છે કે જે પણ વિષય કે કન્ટેન્ટનું પ્રસારણ કરાય તેના માટે લાઈસન્સધારક જવાબદાર હોય છે અને નાણાકીય પેનલ્ટી લાદવાનો નિર્ણય સ્પષ્ટપણે તે જ દર્શાવે છે.

